
કચ્છમાં એક મહિના બાદ ફરી ભૂકંપનો આંચકો
કચ્છની ધરતી પર ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉથી 14 કિલોમીટર દૂર હલરા અને રામપર વચ્ચે મધ્યરાત્રે 1.11 મિનિટે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીના સિસ્મોગ્રાફ મશીન પર આ આંચકો નોંધાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી ઉત્તર-પશ્ચિમ દિશામાં હતું. સ્થાનિક લોકોએ આ આંચકાની કોઈ ખાસ અસર અનુભવી ન હતી અને કોઈ નુકસાની પણ થઈ નથી.
કચ્છમાં નિયમિત રીતે નાના-મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. ગત માસની 11 તારીખે રાપર નજીક 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. મોટાભાગના આંચકાની અનુભૂતિ સામાન્ય લોકોને થતી નથી, પરંતુ ભૂતકાળમાં આવેલા વિનાશક ભૂકંપની યાદને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ જાય છે.