
અમદાવાદ યુવક-યુવતીએ બન્નેના હાથ દુપટ્ટાથી બાંધી સાબરમતીમાં કુદી આત્મહત્યા કરી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર તરફ આવેલા વોક વે પરથી યુવક-યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવતી પાસેથી એક બેગ પણ મળી આવી છે. જોકે આ બેગ તપાસતા કશું મળી આવ્યું નહોતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
યુવતીના ડાબા હાથ પર પ્રિયાંશી નામ લખેલું છે
આ મામલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પણ ઘટના સ્થળે પહોંચી હતી. આત્મહત્યા કરનાર યુવક યુવતીની ઓળખ થઈ નથી. માત્ર યુવતીના ડાબા હાથે પ્રિયાંશી લખેલું છે અને ટેટૂ ત્રોફાવેલું છે. જેના આધારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે અમદાવાદ ફાયર બ્રિગેડના સાબરમતી નદીના રેસ્ક્યુ ટીમના કર્મચારી ભરત માંગેલાએ જણાવ્યું હતું કે, આજે સાંજે ચારેક વાગ્યાના આસપાસ ક્રિકેટ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો કે સાબરમતી રિવરફ્રન્ટ પૂર્વ તરફ ખાનપુર કામા હોટલ પાસે વોકવે પર ઘાટ નંબર નવ નજીકથી એક યુવક યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. તેથી તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ બોટ સાથે તેઓ ઘાટ નંબર 9 પાસે પહોંચ્યા હતા. ત્યાર બાદ બંનેને તાત્કાલિક ધોરણે બહાર કાઢી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તસવીરો પોલીસ સ્ટેશનમાં મોકલી વાલી-વારસની શોધખોળ
આ યુવક-યુવતીની ઉંમર આશરે 17 વર્ષથી 20 વર્ષની છે. યુવક યુવતીએ બંને પોતાના હાથ બાંધી અને ત્યારબાદ એક સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. જ્યારે ફાયર બ્રિગેડે તેઓના મૃતદેહ બહાર કાઢ્યા ત્યારે તેઓના હાથ એક દુપટ્ટાથી બાંધેલા હતા. તેમની પાસે કોઈ ઓળખ કાર્ડ પણ મળી આવ્યું નથી. પોલીસને જાણ કરવામાં આવતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હાલ બંનેના ફોટો વિવિધ પોલીસ સ્ટેશનમાં મોકલી અને તેઓના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.