
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા:અમિત શાહ પરિવાર સહિત મંગળા આરતીના દર્શન કરશે, CM પહિંદવિધિ કરશે; AI સુરક્ષા કવચ, 23 હજારથી વધુ પોલીસકર્મી તહેનાત
આજે અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે દિવસનો પ્રારંભ થશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર સહિત ઉપસ્થિત રહેશે. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં પધારશે. સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રા દર્શનનો પણ લાભ લઈ શકશે.

નો-પાર્કિંગ ઝોન અને BRTS રૂટ ડાયવર્ઝન
અમદાવાદ રથયાત્રાના રૂટમાં આવતા વિસ્તારોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી શરૂ થઈ માણેકચોક, દાણાપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો સમગ્ર રૂટ નો-પાર્કિંગ રહેશે. BRTS બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTO સર્કલનો સરક્યુલર રૂટ નંબર 101 સંપૂર્ણપણે બંધ રહેશે, જ્યારે 4 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે. રથયાત્રા રૂટ પરના 18 BRTS બસ સ્ટેશનો પણ બંધ રહેશે.
સુરક્ષાનો સુદૃઢ બંદોબસ્ત અને ટેક્નોલોજીનો ઉપયોગ
IG કક્ષાના અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના કુલ 23,884 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. રથયાત્રા રૂટ પર આવેલા 484 જર્જરિત મકાનને સીલ મારી ત્યાં હોમગાર્ડ જવાનો તથા પતરાંની આડાશ મૂકવામાં આવી છે, જેથી કોઈ દુર્ઘટના ન બને. સુરક્ષા માટે આખા રૂટનું ગત વર્ષે 3D મેપિંગ કરવામાં આવ્યું હતું, જેના ગ્રાફને આધારે સમગ્ર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભીડ વ્યવસ્થાપન અને ભાગદોડ અટકાવવા માટે દેશમાં સૌપ્રથમ વાર AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન ટેક્નોલોજી અને 3500 જેટલા CCTV કેમેરા (જેમાં 241 સરકારી અને બાકીના નાગરિકોના સહયોગથી લગાવેલા)નો ઉપયોગ કરીને કમિશનર કંટ્રોલ રૂમથી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવશે. પોલીસકર્મચારીઓ 2872 બોડીવોર્ન કેમેરાથી સજ્જ રહેશે અને 240 ધાબા પોઇન્ટ પરથી પણ નજર રાખવામાં આવશે.

ફાયર વિભાગ પણ AIથી સજ્જ
અમદાવાદ પોલીસ સાથે ફાયર વિભાગ પણ AIથી સજ્જ કરવામાં આવ્યો છે. ક્રાઉડ અને ફાયર મેનેજમેન્ટને લઈને ફાયરના 166 અધિકારી અને કર્મચારીઓની ટીમો રથયાત્રાનાં 13 સ્થળ પર તહેનાત રહેશે. ભૂતકાળમાં છત પડવાની ઘટનાઓને ધ્યાને લઈને રૂટ પર કોઈ દુર્ઘટના બને તો ત્વરિત રિસ્પોન્સ આપવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે તાત્કાલિક કાર્યવાહી કરી શકે એ મુજબનું આયોજન કરાયું છે.
AIથી અનિચ્છનીય ઘટના બનતી નિવારી શકાશે
આ વર્ષે રથયાત્રામાં પહેલીવાર આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ AIનો શહેર પોલીસતંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે એમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. AIના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુપડતા લોકો એકઠા થઈ ગયા હોય તો એનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબૂમાં રાખી શકાશે અને અનિચ્છનીય ઘટના બનતી નિવારી શકાશે. એટલું જ નહિ, ક્યાંય કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયરબ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ-રાહત માટે પહોંચી શકે એ માટે ફાયર એલર્ટ ઉપયોગી બનશે.