World Book Day : સુરતની ફુટપાથ પર ચાલતી વાંચન ભૂખ સંતોષવા પુસ્તકોની પરબ

World Book Day : સુરતની ફુટપાથ પર ચાલતી વાંચન ભૂખ સંતોષવા પુસ્તકોની પરબ

World Book Day
World Book Day

World Book Day : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ શિક્ષકના અનોખા પુસ્તક પ્રેમને કારણે આજે હજારો સુરતીઓની વાંચન ભૂખ વિનામૂલ્યે સંતોષવામાં આવી રહી છે. પોતાના પુસ્તક પ્રત્યેનો લગાવ અને આ ડિજિટલ યુગમાં લોકો પણ પુસ્તક તરફ વળે તે માટે સમિતિના ત્રણ શિક્ષકોએ ભેગા મળીને સુરતના બે વિસ્તારમાં ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરી છે. તેનો હજારો લોકો લાભ લઈ વિનામુલ્યે પુસ્તકનું વાંચન કરી રહ્યાં છે.

World Book Day : આજના ઇન્ટરનેટ યુગમાં પુસ્તકનો ઉપયોગ ઓછો થતો જાય છે પરંતુ પુસ્તકના કારણે જ વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે અને જ્ઞાનમાં વધારો થાય છે તે વિસરી જવામાં આવ્યું છે. જોકે, આવા યુગમાં પણ બાળકો સાથે સાથે મોટેરાઓ પણ પુસ્તક વાંચતા થાય તે માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ શિક્ષકોએ વિના મુલ્યે ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરી છે. ચાર વર્ષ પહેલા શરૂ કરેલી આ પુસ્તક પરબ હવે વિશાળ બની રહી છે અને તેમાં પુસ્તકોનો ખજાનો પણ સતત વધી રહ્યો છે.

World Book Day
World Book Day

World Book Day : સુરતીઓને કોઈ પણ જાતની મેમ્બર ફી કે વાંચન ફી વિના ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરનાર પાલિકાની શાળાના શિક્ષક રાઘવજીભાઈ ડાભી કહે છે, મૂળ સૌરાષ્ટ્રના વતની છે તેઓએ વતનમાં ગામના સહયોગથી 2000ની સાલમાં લાયબ્રેરી શરૂ કરી હતી તે ઘણી જ સમૃદ્ધ હતી. કેટલાક કારણોસર તેઓ સુરત સ્થાયી થયાં હતા. પરંતુ પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને અન્ય લોકો પણ પુસ્તકને અપનાવે તે તરસ હજી પણ એટલી જ હતી. તેથી સમિતિની શાળાના અન્ય શિક્ષકો સામે આ વિચાર મુક્યો તેમાં બે શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.

World Book Day : સુરતમાં લાયબ્રેરી માટે જગ્યા મોંઘી મળે અને તેનો નિભાવ ખર્ચ પણ વધુ આવે તેથી પુસ્તક ભેગા કરીને તેઓએ ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મહિનાના પહેલા રવિવારે ઉત્રાણ ખાતે આવેલા ગાર્ડન બહાર ફૂટપાથ પર અને ત્રીજા રવિવારે પુણા યોગીચોક ગાર્ડન બહારના ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરી છે. આ લાયબ્રેરીમાં કોઈ પ્રકારની મેમ્બર ફી નથી કે કોઈ વાંચન ફી નથી. માત્ર વાચકનો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર લેવામાં આવે છે અને ત્યાર બાદ જે પુસ્તક પસંદ કરે તે આપવામાં આવે છે. એક મહિના બાદ ફરી લાયબ્રેરી શરૂ થાય ત્યારે તે પુસ્તક જમા કરાવવાનું રહે છે. શરૂઆતમાં લોકો હસતા હતા પરંતુ હવે હજારો લોકો લાભ લઈ રહ્યા છે.

World Book Day : ફુટપાથ લાયબ્રેરીમાં સાથે જોડાયેલા સમિતિના અન્ય શિક્ષક જીતેન્દ્ર મકવાણા કહે છે, અમારી આ લાઇબ્રેરી સંપૂર્ણ લોકો પુસ્તક કે દાન આપે તેનાથી ચાલે છે અને હજારો લોકો પોતાની પસંદ પુસ્તકોનું વાંચન વિના મુલ્યે કરે છે. હાલ અનેક પુસ્તકો છે પરંતુ બાળકો માટેના પુસ્તક તથા અન્ય પુસ્તકોની અછત જરૂર પડે છે. જો કોઈ આ પુસ્તક પરબમાં જોડાવવા માંગતું હોય તો પુસ્તકોનું દાન કરી શકે છે તેથી અન્ય લોકો સુધી આ અક્ષરજ્ઞાન સાથે પુસ્તકોનું નોલેજ પણ વધારી શકાય છે. 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ છે અને આ દિવસે વધુમાં વધુ બાળકો અને લોકો પુસ્તક પ્રત્યેનો લગાવ વધે તે માટે અમારો પ્રયાસ હંમેશા રહે છે. અમારા આ પ્રયાસમાં અનેક લોકો સહભાગી થઈ રહ્યાં છે અને આ લાયબ્રેરીમાં વિના મુલ્યે તેઓ પોતાનો કિંમતી સમય ફાળવીને ફરજ બજાવે છે તેઓ પણ સાચા પુસ્તક પ્રેમીઓ છે.
સુરતની ફુટપાથ પર ચાલતી પુસ્તકોની પરબ (લાઇબ્રેરી) સાથે સમિતિના ત્રીજા શિક્ષક કિશોર પરમાર જોડાયા છે. તેઓ કહે છે, મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે વરાછા-પુણા વિસ્તારના ફુટપાથ પર લાઇબ્રેરી ચાલે છે તેમા કોઈ ફી નથી વિના મુલ્યે પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે. કોઈ ડિપોઝિટ કે ફી વિના પુસ્તક આપવામાં આવે છે તેમાં કેટલાક કડવા અનુભવ પણ છે. છેલ્લા ચાર વર્ષથી આ લાયબ્રેરી ચાલે છે તેમાં 13 થી 15 ટકા લોકો એવા પણ છે જેઓ મોંઘા પુસ્તકો વાંચવા માટે લઈ જાય છે પરંતુ પરત કરતા નથી. અનેક વખત ફોન કરવા છતાં આ પુસ્તક પરત આવતા નથી. એમાં ખોટ જઈ રહી છે પરંતુ 15 ટકા લોકો આવા છે તેને શોધવા મુશ્કેલ છે પરંતુ 85 ટકા લોકો જેમને વાંચન ભૂખ છે જો કોઈ પગલાં ભરવામાં આવે તો આ 85 ટકા લોકોને નુકસાન થાય તેમ હોવાથી અમે આવા 15 ટકા લોકોને સહન કરીએ છીએ.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *