
૨૮મી ફેબ્રુઆરી સુધી e-EPIC ડાઉનલોડ કરી ડીજીટલ ચુંટણી કાર્ડ મેળવી શકાશે
વધુ માહિતી માટે BLO કે મામલતદાર કચેરીમાં e-EPIC Help desk નું માર્ગદર્શન લેવું
ટેકનોલોજી યુગમાં મતદાતાઓ ડિઝીટલી ચુંટણી પંચ વિશે માહિતગાર થઇ મતદાન માટે વધુ જાગૃત થાય એ માટે રાજયના ચુંટણી તંત્ર દ્વારા e-EPIC લોન્ચ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧માં નોંધાયેલા યુવા મતદારો ડિજિટલ સ્વરૂપમાં પોતાના ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસે ચૂંટણી પંચ દ્વારા e-EPIC લોન્ચ કરવામાં આવી હતી. જે અંતર્ગત યુનિક મોબાઇલ ધરાવતા નવા મતદારોએ તેમના e-EPIC કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ ઇલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડિજિટલી સાચવી શકાશે.
નાયબ ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કાર્ડ ડાઉનલોડ કરવા માટે http://nvsp.in, http://voterportal.eci.gov.in અને Voter Helpline Mobile App. (એન્ડ્રોઇડ/આઈઓએસ) એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે. જિલ્લામાં કુલ ૧૨,૯૨૯ યુનિક મોબાઇલ નંબર ધરાવતા યુવા મતદારો નોંધાયેલ છે. તે પૈકી અત્યાર સુધીમાં જિલ્લામાં ૪૦૩૦ મતદારોએ e-EPIC ડાઉનલોડ કરી લીધા છે. જિલ્લામાં ૩૨ ટકા જેટલા e-EPIC ડાઉનલોડ થયા છે.
યુવા મતદારોનો ઉત્સાહ જોતા ચૂંટણી પંચ દ્વારા e-EPIC ડાઉનલોડની સમય મર્યાદા ૨૮ ફેબ્રુઆરી સુધી કરવામાં આવી છે. e-EPIC ડાઉનલોડ કરવા બાબતે જરૂરી માહિતી કે જાણકારીની જરૂર હોય તો તેઓ BLO તેમજ નજીકની મામલતદાર કચેરી ખાતે આવેલ e-Epic Help Desk ચાલુ કરેલ છે. જેના પર સંપર્ક કરવાથી જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે. વધુ માહિતી માટે જિલ્લાના ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૯૫૦ પણ સંપર્ક કરી શકાશે. જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા આ મતદાતાઓને એપ્લિકેશનનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે.