બનાનીના પત્રકાર અને મિરાયા ઈન્ટરનેશનલ નેટવર્કના એડિટર-ઈન-ચીફ ફાદી બુદાયા આ સમયે ઘાયલ થઇ ગયા જ્યારે ઈઝરાયેલી મિસાઈલ તેમના ઘર પર પડી
બનાનીના પત્રકાર અને મિરાયા ઈન્ટરનેશનલ નેટવર્કના એડિટર-ઈન-ચીફ ફાદી બુદાયા આ સમયે ઘાયલ થઇ ગયા જ્યારે ઈઝરાયેલી મિસાઈલ તેમના ઘર પર પડી. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. બંને વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લેબનાનમાં એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. હાલમાં જ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં લેબનાની પત્રકાર ઘાયલ થયો છે. લેબનીઝ પત્રકાર અને મિરાયા ઈન્ટરનેશનલ નેટવર્કના એડિટર-ઈન-ચીફ ફાદી બુદાયા જ્યારે ઈઝરાયેલની મિસાઈલ તેમના ઘર પર પડી ત્યારે ઘાયલ થયા હતા. ઘટના દરમિયાન તે લાઈવ ટીવી ઈન્ટરવ્યુ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં બુદાયા અચાનક સંતુલન ગુમાવતા અને વાતચીતની વચ્ચે અચાનક કેમેરાની સામે પડતા જોવા મળ્યા હતા. જોકે સદનસીબે આ હુમલામાં તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.
બુદાયાએ હુમલા બાદ સોશિયલ મીડિયા પર પોતાની સલામતી વિશે જાણકારી આપી હતી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, જેમણે ફોન કર્યો, મેસેજ કર્યો અને મારી ચિંતા કરી, તે તમામનો આભાર. હું ઠીક છું અને અમે અમારા મિડિયા કર્તવ્યને નિભાવવા પરત ફરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે લેબનાની પત્રકાર બુદાયાને હિઝબુલ્લાહનો સમર્થક માનવામાં આવે છે.
આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તણાવ ચરમ પર છે. ગયા ઓક્ટોબરમાં ગાઝા યુદ્ધ શરૂ થયા બાદથી બંને પક્ષો વચ્ચે સીમા પાર અથડામણો તીવ્ર બની છે. તાજેતરના સાયબર હુમલા બાદ બંને વચ્ચેની સ્થિતિ વણસી હતી. તાજેતરમાં હિઝબુલ્લાહ કમાન્ડરોના પેજર અને વોકી ટોકીમાં વિસ્ફોટ પછી તણાવ વધુ વધ્યો છે. હિઝબુલ્લાહ આ માટે ઈઝરાયેલને જવાબદાર માને છે અને તેના હુમલાઓને સતત તીવ્ર બનાવી રહ્યું છે.
જવાબી કાર્યવાહીમાં સોમવારે ઇઝરાયેલી હવાઈ હુમલામાં લેબનોનમાં 550 થી વધુ લોકો માર્યા ગયા, જેમાં 50 થી વધુ બાળકો પણ સામેલ છે. આ દિવસે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનીઝ નાગરિકોને તેમના ઘર ખાલી કરવા માટે અપીલ કરતો એક વિડિયો સંદેશ જારી કર્યો હતો. તેમણે કહ્યુ “ઓપરેશન પૂરું થયા પછી તેઓ તેમના ઘરે પરત ફરી શકે છે.
હિઝબુલ્લાહના મિસાઇલ વિભાગના વડા ઇબ્રાહિમ કુબૈસી મંગળવારે ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો છે. ઇઝરાયેલી સંરક્ષણ દળોએ તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે કુબૈસી હિઝબોલ્લાહની મિસાઇલ કામગીરીનો મુખ્ય સભ્ય હતો. કુબૈસીની સાથે અન્ય બે વરિષ્ઠ કમાન્ડર પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.