TOLL PLAZA GUJARAT : ગુજરાતના દરેક ટોલનાકા પર હવે RTOની નજર, ટ્રાન્સપોર્ટ વાહનોમાં ડાયરેક્ટ ઇ-ચલણની શરૂઆત

TOLL PLAZA GUJARAT : રાજ્યમાં આરટીઓ અને પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ વાહન ચેકીંગ દરમ્યાન નિયમોની અધુરાશ હોય તો મેમો આપવામાં આવે છે.આ ઉપરાંત ચેક પોઇન્ટ પર ઈન્ટરસેપ્ટરની મદદથી ઇ-ચલણ ઇશ્યુ કરાય છે પરંતુ હવે ટેકનોલોજીની મદદ લઇ ટોલનાકા પરથી જ ટ્રાન્સપોર્ટ વાહનોને ઓનલાઈન ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે.આ પ્રોજેક્ટની ગુજરાતમાં પ્રથમવાર અમલવારી થઈ છે જે દેશમાં પણ સંભવત: પ્રથમ છે.
આ અંગેની વિગતો મુજબ, રાજયમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે આ સાથે અકસ્માતના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે ઘણા વાહનચાલકો વાહન ચલાવતી વખતે નિયમોનું અનુસરણ ન કરતા હોવાની ફરિયાદ છે.ટ્રાન્સપોર્ટ વાહનોની જો વાત કરીએ તો તેમાં પીળી નંબર પ્લેટ લગાવેલી હોય છે આ વાહનોમાં વીમો,પીયૂસી,ફિટનેશ પ્રમાણપત્ર સહિતના પુરાવા વાહનચાલકોને અનુસરવાના હોય છે પણ હાઇવે માર્ગો પર ઘણા વાહનો નિયમ ભંગ કરીને દોડતા હોવાની વ્યાપક ફરિયાદો બાદ રાજય વાહન વ્યવહાર વિભાગ દ્વારા કેન્દ્રિય વ્યવસ્થા ગોઠવવામાં આવી અને વિવિધ સુધારા ધ્યાને લઇ તેની અમલવારી કરી દેવામાં આવી છે જેથી હવે જો તમે તમારા ટ્રાન્સપોર્ટ વાહનને લઈને રસ્તા પરથી પસાર થાઓ છો ત્યારે વીમો, પીયૂસી, ફિટનેશ હોવા ફરજીયાત છે અન્યથા ટોલનાકા પરથી જ ચલણ ઇશ્યુ થશે.
TOLL PLAZA GUJARAT : કચ્છમાં બે મોટા બંદર ઉપરાંત સેંકડો કંપનીઓ અને વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક તેમજ પવનચક્કી ઉદ્યોગ હૉવાથી આ જિલ્લામાં 1 લાખથી વધુ ટ્રાન્સપોર્ટ વાહનોનું પરિવહન છે.પોલીસ અને આરટીઓ સંયુક્ત તપાસ કરે તો પણ તમામ વાહનોની ચકાસણી શક્ય ન બને ત્યારે આ વિશાળ અને ઔધોગિક જિલ્લામાં નવી ટેકનોલોજી ખૂબ લાભદાયી થવા સાથે સરકારની રેવન્યુ વધશે અને તમામ કોમર્શિયલ વાહનચાલકો નિયમો પાળતા થઈ જશે.
હાલમાં કચ્છ સહિત રાજ્યના અલગ અલગ ટોલનાકા પરથી પસાર થતા કોમર્શિયલ વાહનો કે જેમાં પીળા કલરની નંબર પ્લેટ લગાવેલી છે એવા વાહનોને ઓનલાઈન સ્કેન કરી ઈ ચલણ આપવામાં આવી રહ્યા છે.ભવિષ્યમાં નોન કોમર્શિયલ વાહનોમાં પણ આ નિયમ લાગુ થઈ શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. જેથી તમામ વાહનચાલકો પોતાના વાહનોમાં વીમો,પીયુસી અને ફિટનેશની અધૂરાશો પૂરી કરાવી લે તે જરૂરી છે.
TOLL PLAZA GUJARAT : દરેક ટોલનાકા પર કેમેરા લગાવેલા હોય છે જ્યાં વાહનનો ડેટા એકત્ર થાય છે.હાલ આ નિયમ માત્ર કોમર્શિયલ વાહનો માટે લાગુ થયો છે.ટોલનાકા પર વાહન પસાર થાય એટલે તેના HSRP નંબર પ્લેટના આધારે ડેટા સેવ થશે અને 24 કલાક સુધીના વાહનોના ડેટા મેળવી આરટીઓ દ્વારા તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે વાહન સોફ્ટવેરમાં તેની ઓનલાઇન તપાસ થશે.જે વાહનોમાં વીમો,પીયૂસી કે ફિટનેશ બાકી હશે તેને ઓનલાઇન ઇ-ચલણ ઇશ્યુ થશે.સમગ્ર પ્રક્રિયા પર વડી કચેરી દ્વારા મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે.
ભુજ આરટીઓ કચેરી હસ્તક ભીરંડીયારા, મોખા, લાખોંદ, અંગીયા અને દેશલપર તેમજ અંજાર આરટીઓ કચેરી હસ્તકના વિસ્તારમાં કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી ,આડેસર ઉપરાંત કંડલા ટોલનાકે છેલ્લા પખવાડિયાથી ઓટોમેટિક સિસ્ટમ દ્વારા જનરેટ થઈને ઇ ચલણ મોકલવામાં આવી રહ્યા છે.વાહન માલિકના નોંધાયેલાં નંબર પર ઇ-મેમોની જાણ કરવામાં આવી રહી છે. તેમ આરટીઓ કચેરીમાંથી સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.