SHORTAGE OF 600 TEACHERS : અબડાસા તાલુકાની શાળાઓમાં 600 શિક્ષકોની અછતના લીધે નલિયામાં રસ્તા રોકો આંદોલન, બહુજન આર્મી દ્વારા એક મહિનાનું અલ્ટિમેટમ

SHORTAGE OF 600 TEACHERS : કચ્છના અબડાસા તાલુકામાં શિક્ષકોની અછતના મુદ્દે બહુજન આર્મી દ્વારા આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મળીને સંસ્થાએ ભુજ હાઇવે પર એક કલાક સુધી ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆએ જણાવ્યું કે અબડાસા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 600 જેટલા શિક્ષકોની ઘટ છે. આના કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
આ આંદોલન ગત મહિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા પ્રવેશોત્સવના વિરોધાભાસ તરફ ધ્યાન દોરે છે. મુખ્યમંત્રીએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવ્યો હતો, પરંતુ શિક્ષકોની નિમણૂક ન થવાથી અનેક સ્થળે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી રહ્યા છે.
લખન ધુઆએ વધુમાં જણાવ્યું કે કચ્છ પ્રાંત રાજ્યની તિજોરીમાં સૌથી વધુ ફાળો આપે છે. સમગ્ર દેશના પોણા ભાગના મીઠાનું ઉત્પાદન અહીંથી થાય છે. આમ છતાં શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાનો અભાવ બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યો છે.
આંદોલન દરમિયાન “શિક્ષકોની ભરતી કરો, નહીંતર ખૂરશી ખાલી કરો”ના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને સમર્થકોએ રેલી યોજી પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી. પ્રાંત કચેરીના અધિકારીએ જણાવ્યું કે આ મામલે જિલ્લા કક્ષાએ પહેલેથી જ રજૂઆત કરવામાં આવી છે અને ફરીથી શિક્ષકોની ઘટ નિવારવા માટે ધ્યાન દોરવામાં આવશે.

આ જવાબના પ્રતિભાવમાં બહુજન આર્મીએ એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયમાં કોઈ પગલાં ન લેવામાં આવે તો જિલ્લાના ભાજપ પદાધિકારીઓના ઘર બહાર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.