
SG હાઇવે પર 6 મહિના ભારે વાહનોની નો-એન્ટ્રી, અમદાવાદ-ગાંધીનગર મુસાફરો માટે મહત્વની સૂચના
SG હાઈવે નર્મદા કેનાલ ક્રોસિંગ પાસે ₹32 કરોડના ફોર-લેન રોડનું કામ શરૂ; વૈષ્ણોદેવી સર્કલથી ચ-0 સર્કલ સુધી સવારે 7થી રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહનોને નો-એન્ટ્રી

SG હાઈવે અમદાવાદ: ગુજરાતના સૌથી વ્યસ્ત અને વીઆઈપી ગણાતા અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પરથી પસાર થતા લાખો વાહનચાલકો માટે આગામી છ મહિના પડકારજનક રહેવાના છે. નર્મદા કેનાલ ક્રોસિંગ નજીક ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા અંદાજે ₹32 કરોડના ખર્ચે નવા ચાર માર્ગીય (ફોર-લેન) રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલ આ સ્થળે ડાયવર્ઝન અને સિવિલ કામગીરી ઝડપથી ચાલી રહી હોવાથી હાઇવેની પહોળાઈ કામચલાઉ રીતે ઓછી થઈ ગઈ છે.
SG હાઈવે બાંધકામ દરમિયાન મોટી ક્રેન્સ, જેસીબી સહિતના ભારે મશીનો સતત કાર્યરત હોવાથી ખાસ કરીને સવાર અને સાંજના સમયે અકસ્માતનું જોખમ વધ્યું છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ અને માર્ગ-મકાન વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
SG હાઈવે નવા જાહેરનામા મુજબ વૈષ્ણોદેવી સર્કલથી ગાંધીનગરના ચ-0 સર્કલ સુધીના એસ.જી. હાઇવે પર દરરોજ સવારે 7:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી તમામ ભારે કમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 15 જાન્યુઆરી, 2027 સુધી અમલમાં રહેશે.
પ્રશાસને ભારે વાહનો માટે શહેરની બહારના રીંગ રોડ સહિતના વૈકલ્પિક રૂટ નક્કી કર્યા છે, જેથી મુખ્ય હાઇવે પર ટ્રાફિકનો ભાર ઓછો થઈ શકે. જોકે સ્થાનિક અહેવાલો અનુસાર પ્રતિબંધ લાગુ થયા પછી પણ કેટલાક ભારે વાહનો નો-એન્ટ્રી દરમિયાન હાઇવે પર પ્રવેશી રહ્યા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.
ટ્રાફિક વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં વૈષ્ણોદેવી સર્કલ સહિતના મહત્વના સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવશે. નિયમનો ભંગ કરતા ટ્રકચાલકો અને ટ્રાન્સપોર્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ જરૂરી હોય તો વાહનોને ડિટેઈન પણ કરવામાં આવશે.
વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રાફિક અપડેટ તપાસી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને બાંધકામ વિસ્તાર પાસે ધીમી ગતિએ તથા સાવચેતીપૂર્વક વાહન ચલાવે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો