ROBBERY WITH MURDER : નવસારીમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં 3 આરોપીઓ પાસેથી ઘરેણા, કાર સહિત 6 લાખનો મુદ્દામાલ કબજે

ROBBERY WITH MURDER : લોકલ ક્રાઈમ બ્રાન્ચે લૂંટ વિથ મર્ડરના ગુનોમાં સંડોવાયેલી રાજ્ય વ્યાપી ગેંગનો ખુલાસો કર્યો, લિફ્ટ આપી ગાડીમાં બેસાડી લૂંટ કરતી હતી. 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રાજ્યવ્યાપી દેવીપુજક ગેંગના ત્રણ આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ, સોનુ ચાંદી ઘરેણા તેમજ કાર સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
ROBBERY WITH MURDER : લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીઓએ ગીર ગઢડામાં આધેડ મહિલાને લૂંટ વિથ મર્ડર તેમજ નવસારીમાં અકસ્માત સર્જી હોસ્પિટલ લઈ જઈ જવાના બહાને લૂંટના ગુનાનો ખુલાસો કર્યો છે.
ROBBERY WITH MURDER : પોતાની કારમાં રાહદારીઓને લિફ્ટ આપી અથવા તેમને જબરદસ્તી બેસાડી, માર મારીને તેમની કિંમતી વસ્તુઓ લૂટી લેનાર રાજ્યવ્યાપી દેવીપૂજક ટોળકીને નવસારી LCB પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સને આધારે ઝડપી પાડી હતી. નવસારીની લૂટ સાથે ગીર ગઢડામાં વૃદ્ધાનું અપહરણ કરી તેમના ઘરેણા લૂટી હત્યા નિપજાવવાના ગુનાને ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.
નેશનલ હાઈવે નં. 48 ઉપર નવસારીના વેસ્માથી કુચેદ જવાના માર્ગ ઉપર નહેર પાસે ગત 29 ઓગસ્ટ, 2025ના રોજ મરોલીના દિલીપ રાઠોડની મોપેડને એક કારે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. બાદમાં કાર ચાલકે તેને દવાખાને લઈ જવાના બહાને કારમાં બેસાડી દીધો હતો. બાદમાં દિલીપને માર મારી, તેના ઘરેણાં અને રોકડ મળી અંદાજે 1.67 લાખ રૂપિયાની લૂટ ચલાવી તેને ચાલુ કારમાંથી ફેંકી દીધો હતો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ROBBERY WITH MURDER : આરોપીઓની તપાસમાં જોતરાયેલી નવસારી ગ્રામ્ય પોલીસ અને LCB પોલીસે ફરિયાદી દિલીપ રાઠોડના નિવેદન સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV ફુટેજને આધારે તપાસને વેગ આપ્યો હતો.
જેમાં પોલીસને કારની કડી મળતા પોલીસ સુરતના કામરેજ તાલુકાના ભૈરવ ગામેથી કારની સાથે સુરતના કામરેજ, ગુરૂકૃપા સોસાયટી ખાતે રહેતા 24 વર્ષીય સુનિલ ઉર્ફે વિજય મંગા ઓગણીયા, કામરેજના જય વિલા રો હાઉસમાં રહેતા 25 વર્ષીય મહેશ અશોક સોલંકી અને સુરતના વરાછાના સીતા નગરમાં રહેતા 20 વર્ષીય કલ્પેશ ઉર્ફે કાળીયો ભોળા ઉર્ફે ભાવેશ મકવાણાની ધરપકડ કરી હતી.
ROBBERY WITH MURDER : પોલીસે આરોપીઓ પાસેથી લૂટમાં વપરાતી કાર સાથે સોનાના દાગીના, ડીસમિશ, 3 છરા, 3 મોબાઇલ ફોન સાથે કુલ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓને નવસારી LCB કચેરી લાવી તેમની કડકાઈથી પૂછપરછ કરતા, તેમણે વેસ્મા કુચેદ માર્ગ પરની લૂટ કબૂલ કરવા સાથે 8 ઓગસ્ટ 2025ના રોજ ગીર ગઢડામાં થયેલ લૂટ વીથ મર્ડરનો ગુનો પણ કબૂલ્યો હતો.
ROBBERY WITH MURDER : જેમાં આરોપીઓએ ગીર ગઢડા વિસ્તારમાં એક વૃદ્ધાને લિફ્ટ આપી કારમાં બેસાડી દીધા હતા, કારમાં બેસાડ્યા બાદ આરોપીઓએ વૃદ્ધાને માથામાં માર મારતા તેમનું ત્યાં જ ઢીમ ઢળી ગયું હતું.
આરોપીઓએ વૃદ્ધાનું મોત નિપજાવ્યાં બાદ તેમની પાસેના ઘરેણા લૂટી લીધા હતા, અને બાદમાં તેમના મૃતદેહને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયારી ખાડા વિસ્તારમાં એક ચૂંદડીમાં બાંધીને ફેંકી દીધો હોવાની કબુલાત કરતા, પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા ત્યાં એક હાડપિંજર, કપડાં અને ભગવાનનું માંડડિયું મળી આવ્યુ હતું. જેમાં ગીર ગઢડા પોલીસ મથકે વૃદ્ધાની ગુમ જાણવાજોગ નોંધાઈ હોવાની માહિતી પણ મળી હતી. જેથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે લૂટ સાથે હત્યાનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.
ROBBERY WITH MURDER : નવસારી LCB પોલીસે પકડી પાડેલી દેવીપૂજક ટોળકી કારમાં લિફ્ટ આપી અથવા અકસ્માત સર્જી અથવા અન્ય કોઈ પ્રકારે અપહરણ કરી લૂટ ચલાવવામાં માહિર છે. જેના દ્વારા રાજ્યના સુરતથી સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ અમદાવાદ, વડોદરા, ભરૂચ, આણંદ વગેરે જિલ્લાઓમાં લૂટ ચલાવી હતી. જેમાં સુનિલ સામે 7, મહેશ સામે 4 અને કલ્પેશ સામે લૂટ, વાહનચોરી, અપહરણ, લૂટ વીથ મર્ડર જેવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે.
જોકે હજી પણ આ ટોળકીમાં અન્ય આરોપીઓ છે કે કેમ અને તેમના દ્વારા અન્ય કેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે, એ પોલીસ તપાસમાં ખીલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.