ROBBERY ATTEMPT IN MITHI ROHAR : ગાંધીધામના મીઠી રોહરમાં વેપારીએ રોકડનો થેલો બચાવતા બે બુકાનીધારીએ છરીથી હુમલો કર્યો

રાજુ રસિકલાલ ઠક્કર (40) તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે બ્લુ કલરની બલેનો કારમાંથી બે બુકાનીધારી શખ્સો ઉતર્યા હતા. તેમણે રાજુ પાસેથી રોકડ રકમ ભરેલો થેલો છીનવાનો પ્રયાસ કર્યો હતો. રાજુએ પ્રતિકાર કરતા હુમલાખોરોએ તેમના બંને હાથ અને કોણી પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. રાજુએ થેલો પડોશી દુકાનમાં ફેંકી દીધો હતો. આસપાસના દુકાનદારો દોડી આવતા બંને આરોપીઓ કારમાં બેસી ભાગી ગયા હતા.

આજે ફરી મની ટ્રાન્સફરની કામગીરી કરતા વેપારી ઉપર લૂંટના ઇરાદે છરી વડે હુમલો કરવામાં આવતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. આ ઘટનામાં સામેલ 3 ઈસમો ફરાર થઇ ગયા છે. જ્યારે વેપારીને હોસ્પિટલ સારવારાર્થે ખસેડાયો છે.
કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ વિસ્તારમાં આર્થિક સંલગ્ન ક્રાઇમની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હજી ગત તા.16ના શહેરના જુના પોલીસ સ્ટેશન રોડ પર સંકેતનિધિ આંગડિયા પેઢીના સંચાલકનું ધોળા દિવસે બંદૂકના નાળચે 4 શખસ દ્વારા કારમાં અપહરણ કરી જવાયું હોવાની ઘટના તાજી છે, જોકે આ બનાવમાં પોલીસની ત્વરિત કામગીરીથી ભોગ બનનાર મળી આવ્યા હતા અને ઘટનાને અંજામ આપનાર 4 પૈકી 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

આ અંગે વેપારી અગ્રણી બિપિન વસંતલાલ ઠક્કરે જણાવ્યું હતું કે, આજ સવારે 11 વાગ્યાના અરસામાં રાજુ રસિકલાલ ઠકકર (ઉં.વ.40) પોતાની મીઠી રોહર હાઇવે પર આવેલા રાધે કોમલેક્સ ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. તે સમયે બ્લુ કલરની બલેનો કારમાં ચાલક સિવાયના બે બુકાનીધારી ઉતર્યા હતા અને રાજુ પાસે રોકડ રકમ ભરેલો થેલો ઝૂંટવા પ્રયાસ કર્યો હતો.
લૂંટારુઓનો પ્રતિકાર કરતા તેઓએ રાજુ ઉપર બંને હાથ અને કોળીના ભાગે છરી વડે હુમલો કરી દીધો હતો. જોકે, રાજુએ થેલો પડોસીની દુકાનમાં ફેંકી દેતા આસપાસના દુકાનદારો દોડી આવતાં બંને જણ કારમાં બેસી નાસી ગયા હતા. હાલ ભોગ બનનારની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘટના અંગેની જાણ શહેર એ ડિવિઝન મથકે કરવામાં આવતા પીઆઇ એમડી ચૌધરી સ્ટાફ સાથે હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ઘટનાની વિગતો જાણી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું માલુમ પડ્યું છે. જોકે, એક બાદ એક રૂપિયાની લૂંટના ઇરાદે હુમલા અને અપહરણના બનાવોથી વેપારી આલમમાં ચિંતાનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.