
ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે? રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ ચર્ચા તેજ
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં યુવાનો અને બાળકોમાં એનર્જી ડ્રિંક્સનું વધતું ચલણ હવે આરોગ્ય નિષ્ણાતો અને સરકારોની ચિંતાનું કારણ બન્યું છે. રાજસ્થાન સરકારે Red Bull, Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સના વેચાણ, માર્કેટિંગ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલોના 500 મીટરના વિસ્તારમાં Stingના વેચાણ પર પ્રતિબંધ લાવવાની તૈયારી શરૂ કરી છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં પણ આવા નિયંત્રણો લાગશે કે નહીં તે અંગે ચર્ચા તેજ બની છે.
કાર્ડિયોલોજીસ્ટ ડૉ. જય સંઘવીના જણાવ્યા મુજબ એનર્જી ડ્રિંક્સમાં રહેલા વધુ પ્રમાણના કેફીન અને શુગર હૃદય, બ્લડ પ્રેશર અને શરીરના મેટાબોલિઝમ પર ગંભીર અસર કરી શકે છે. વધુ પડતું સેવન હાર્ટ સંબંધિત જોખમ વધારી શકે છે.

FSSAIએ તાજેતરમાં Red Bull, Sting, Monster Energy, Hell Energy, Campa Energy Gold Boost અને Adrenaline Rush Energy Drink સહિત 6 મોટી બ્રાન્ડ્સને નોટિસ ફટકારી હતી. નોટિસમાં કંપનીઓ પર ભ્રામક જાહેરાતો અને ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થાય તેવા દાવા કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
રાજસ્થાન સરકારે રાજ્યભરમાં દરોડા પાડી 5 લાખથી વધુ એનર્જી ડ્રિંક્સની બોટલો જપ્ત કરી છે. તપાસ દરમિયાન કેટલીક કંપનીઓ દ્વારા “તાત્કાલિક ઊર્જા” અથવા “શરીરને રિચાર્જ” કરવાના દાવા FSSAIના નિયમો વિરુદ્ધ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ Sting, Red Bull, Monster Energy, Hell Energy, Campa Energy, After Shock, Tropicana Energy અને Adrenaline Rushના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલોની આસપાસના 500 મીટરના વિસ્તારમાં Sting એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ લાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા જાહેર કરશે.
આ વચ્ચે ગુજરાતમાં પણ આવા ઉત્પાદનો પર નિયંત્રણ લાદવાની માંગ ઉઠી રહી છે. જોકે હાલ ગુજરાત સરકારે Red Bull, Sting અથવા અન્ય કોઈ એનર્જી ડ્રિંક પર પ્રતિબંધ જાહેર કર્યો નથી.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે એનર્જી ડ્રિંક્સમાં રહેલા વધુ કેફીન, શુગર અને ટૌરિનના કારણે લાંબા ગાળે હૃદય, ઊંઘ, બ્લડ પ્રેશર અને માનસિક સ્વાસ્થ્ય પર ન↵કારાત્મક અસર થઈ શકે છે. તેથી ખાસ કરીને બાળકો અને કિશોરોએ આવા પીણાંનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.