
Rath Yatra : રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે, આથી નીચે ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઊભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો, આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 બાળક સહિત 10 ભાવિકોને ઈજા પહોંચી છે. પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે.
Rath Yatra : રથયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન ટ્રકમાંથી લોકો પ્રસાદ આસપાસના લોકોમાં વહેંચી રહ્યા હતા. જોકે, તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતાં બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
Rath Yatra : 11 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા
દરિયાપુરમાં સ્લેબ તૂટી પડવાની ઘટનામાં કુલ 11થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇમરજન્સી સેવા 108ની એબ્લ્યુલન્સમાં 3 ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલી BAPS હોસ્પિટલમાં 8 ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી સાત લોકોને હાલ સારવાર આપીને રજા આપવામાં આવી છે. જ્યારે એકનું મોત થયું હતું. બે નાના બાળકોને ઇજા થઇ હોવાથી તેઓને 48 કલાકના ઓબ્ઝર્વેશન માટે મેમનગરની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.
વસ્ત્રાલના યુવકને કાળ આંબી ગયો
BAPS હોસ્પિટલમાં મેહુલ પંચાલ નામના યુવકનું મોત થયું છે. વસ્ત્રાલનો રહેવાસી હતો. રથયાત્રા જોવા માટે દરિયાપુર વિસ્તારમાં આવ્યો હતો અને મકાનની ગેલેરી ઉપર લોકોની સાથે ઉભો હતો.યુવકનું મૃત્યુ થતાં તેનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલમાં ડેડબોડી મોકલી આપવામાં આવી છે.
બાલ્કની તૂટી પડ્યા બાદ AMCએ નોટિસ લગાવી
કડિયાનાકા પાસે આવેલા મકાનનો ગેલરીનો ભાગ તૂટી પડતાં ત્રણ બાળક સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયાં છે. આ ગંભીર ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. રથયાત્રાના રૂટ ઉપર આવતાં તમામ ભયજનક અને જર્જરિત મકાનોને નોટિસ આપવાની હોય છે, પરંતુ કડિયાનાકા પાસે આવેલા મકાનને કોઇપણ પ્રકારની નોટિસ AMCના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી ન હતી.

આ મકાન ભયજનક હોવા અંગેની જાહેર નોટિસ પણ લગાવવામાં આવી ન હતી. જ્યારે તૂટી પડવાની ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા અને લોકોની સામે જ તેમણે આ જાહેર નોટિસ લગાવી હતી. સ્થાનિક લોકો મુજબ કોર્પોરેશન તંત્ર આ ઘટના પછી અહીં નોટિસ લગાવવા આવ્યું હતું અને નોટિસ લગાવી હતી.
લોકો રથયાત્રાનાં દર્શન માટે ઊભા હતા
ડીસીપી ઝોન-4 કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ‘કડિયાનાકા પાસે એક જૂનું મકાન હતું. એ મકાન પર મકાનમાલિક પોતે અન્ય ત્રણ લોકો સાથે રથયાત્રાનાં દર્શન માટે ઊભા હતા. એ સમયે તેઓ અચાનક સ્લેબ સાથે નીચે પડ્યા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 8 જેટલા માણસોને ઈજા થઈ છે. તમામને નાની-મોટી ઈજા થઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્તને તરત જ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે અને તેમની સારવાર શરૂ થઈ ગઈ છે.’
રથયાત્રાના રૂટ ઉપર 312 ભયજનક મકાનને નોટિસ
ઉલ્લેખનીય છે કે 146મી રથયાત્રાને લઇને અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ ઉપર કુલ 312 જેટલાં ભયજનક મકાનને રિપેરિંગ અને રથયાત્રાના દિવસે આ જર્જરિત મકાનોમાં પ્રવેશ ન કરવા નોટિસ આપી હતી, જેમાં સૌથી વધુ વધારે ખાડિયા વિસ્તારમાં 180 ભયજનક મકાનોને નોટિસ આપી હતી. જ્યારે દરિયાપુરમાં 109 મકાનને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત જમાલપુરમાં 10 મકાન, શાહીબાગમાં 9 મકાન અને શાહપુરમાં 4 મકાનને નોટિસ ફટકારી હતી. જોકે જે ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી હતી એમાં 80 ટકા મકાનો ગત વર્ષે હતાં એ જ છે.
ગત વર્ષે કેબિન તૂટી પડતાં 15થી 20 લોકો નીચે પટકાયા
ભગવાન જગન્નાથજીના રથ નિજ મંદિર તરફ પ્રયાણ કરતાં શાહપુર પહોંચ્યા હતા. એ દરમિયાન કેબિન તૂટીને નીચે પડતાં એના પર સવાર નાનાં બાળકો સહિત 15થી 20 લોકો નીચે પટકાયાં હતાં. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનરની હાજરીમાં આ ઘટના બની હતી. એ દરમિયાન કેબિન નીચે પડતાં કેટલાંક બાળકો હેબતાઇ ગયાં હતાં. બાદમાં ગૃહરાજ્યમંત્રીએ ત્યાં જઇ બાળકોને શાંત કરાવ્યા હતા અને રૂમાલથી તેમનું મોઢું લૂછી પોલીસને બાળકોની સાવચેતી રાખવા સૂચન કર્યું હતું.