KUTCH MP CELEBRATES RAKSHABANDHAN : કચ્છના સાંસદે BSF જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી, મહિલા પોલીસે વૃદ્ધોને રાખડી બાંધી.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સરહદનું રખોપું કરતા જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવાની પરંપરા જાળવી રાખી છે. રાપર તાલુકાના લોદ્રાણી BSF પોસ્ટ કુડા 84 બટાલિયન વિસ્તારમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ આ પર્વની ઉજવણી કરવા સાથે જવાનોના શૌર્ય અને ખમીરને બિરદાવ્યાં હતાં.

આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, ભારત તહેવારોનો દેશ છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઊજવીએ છીએ. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કાંડા પર રાખડી બાંધીને આશિષ આપે છે. આ પવિત્ર દિવસ બળેવ તરીકે પણ ઓળખાય છે.
લોદ્રાણી BSF-84 બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી. ‘0’ પોઈન્ટ પર ફરજ બજાવતા દરેક જવાનોને મીઠાઈનું બોક્સ અને સાલ વડે સન્માન કરાયું હતું. આ પ્રસંગે સી.ઓ. 84 બટાલિયન BSF અનિલકુમાર યાદવ અને અક્ષય શર્માએ આવકાર આપી બટાલિયન જવાનોનો પરિચય આપ્યો હતો. સાંસદ ચાવડાએ વીર જવાનોને બિરદાવયા હતા. આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઇ દેશમુખ વગેરે જોડાયા હતા.

દરમિયાન શનિવારે રક્ષા બંધનના પવિત્ર પ્રસંગે ભુજમાં મહિલા પોલીસ દ્વારા વૃદ્ધોને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવણી કરાઈ છે. કચ્છમાં રક્ષાબંધન પર્વની આજે ઉલ્લાસભેર ઉજવણી થઈ છે. મહિલા પોલીસે હરિ શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ ખાતે સિનિયર સિટીઝનને રાખડી બાંધી હતી. દાદા-દાદી પાર્ક ખાતે પણ વૃદ્ધોને રાખડી બાંધવામાં આવી હતી. ભુજ શહેર પોલીસ ‘શી-ટીમ’ દ્વારા માનવતા સાથે તહેવાર ઉજવવામાં આવ્યો હતો.

ભચાઉ પોલીસ સ્ટેશનની “શી ટીમ”ના કર્મચારીઓ દ્વારા ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ સિનિયર સીટીઝનને સાત્વના અને હુંફ મળી રહે અને પર્વનુ મહત્વ જળવાઇ રહે તે હેતુથી ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મધર ટેરેસા તથા વૃધ્ધાશ્રમમાં જઇ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. શી ટીમની મહિલાઓ દ્વારા સિનિયર સિટીઝનોને તિલક વિધિ કરી રાખડી બાંધી મીઠાઈ ખવરાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા નલિયા ખાતે રક્ષાબંધન પર્વમાં માતૃવંદના સંચાલિત ચંદ્રવલ્લભ નવનીત આર્ટસ મહિલા કોલેજ બિદડાની બહેનોએ BSF લકી નાલા, BSF વોટરવિંગ કોટેશ્વર, BSF જખૌ પોર્ટ તેમજ મરીન કમાન્ડોને રાખડી બાંધી હતી.