
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 જાન્યુઆરી)વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાઈરસના વેક્સિનેશનની શરૂઆત કરી રહ્યાં છે.વડાપ્રધાન મોદીએ વર્ચુઅલ સંબોધન દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરતા કહ્યું- આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, કોરોનાની વેક્સિન આવી ગઈ છે.પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. તેમણે કહ્યું કે, આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે.દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેના માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું.દેશને સંબોધિત કરતી વખતે મોદી ભાવુક પણ થઈ ગયા. કહ્યું કે, આપણને બચાવવા માટે ઘણા લોકોએ પ્રાણ સંકટમાં નાખ્યા. ઘણા લોકો ઘરે પાછા નથી આવ્યા. હવે સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને વેક્સિન લગાવીને એક પ્રકારે સમાજ પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે.
તમામ 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો(UT)ની 3006 સાઈટ્સ પર એકસાથે આ કાર્યક્રમ ચાલું કરાશે. પહેલા ફેઝમાં હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેટ કરાશે. પહેલા દિવસે દરેક સાઈટ પર ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવામાં આવશે.
મોદીના ભાષણની મુખ્ય વાતો :-
વેક્સિન બનાવનારને શુભેચ્છાઓ
કેટલા મહિનાથી દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, યુવાન દરેકના મોઢે એક જ સવાલ હતો કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે. તો હવે કોરોનાની વેક્સિન આવી ગઈ છે. વેક્સિન બનાવનાર દરેક વૈજ્ઞાનિક શુભેચ્છાને પાત્ર છે. તેમણે ન તો તહેવાર જોયા, ન દિવસ જોયા કે ન રાત. આટલા ઓછા દિવસોમાં એક નહીં, બે-બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર થઈ છે. આવી જ ઉપલબ્ધિઓ માટે રાષ્ટ્ર કવિ રામધારી સિંહ જી દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે, તો પથ્થર પણ પાણી બની જાય છે.
જેમને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, પહેલા વેક્સિન તેમને અપાશે. જે હોસ્પિટલ સ્ટાફ છે તે કોરોના વેક્સિનનો પહેલો હકદાર છે. ત્યારપછી એવા લોકોને વેક્સિન લગાડવામાં આવશે જેમની પર દેશની સુરક્ષા અથવા કાયદો-વ્યવસ્થાની જવાબદારી છે. સુરક્ષા દળ, પોલીસ, ફાયર બ્રિગેડ અને સફાઈકર્મીઓને વેક્સિન લગાડવામાં આવશે. તેમની સંખ્યા લગભગ 3 કરોડ છએ. તેમના વેક્સિનેશનનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે.
બીજો ડોઝ ખુબ જ જરૂરી
પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે મળશે,તેની માહિતી પણ તમારા ફોન પર આપવામાં આવશે. વેક્સિનના બે ડોઝ લગાડવા ખુબ જ જરૂરી છે. એક ડોઝ લાગી ગયો અને બીજો લેવાનું ભૂલી ગયા, એવી ભૂલ ન કરશો. પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાની ગેપ રખાશે. બીજો ડોઝ લાગ્યા પછી જ તમારા શરીરમાં કોરોના વિરુદ્ધ શક્તિ વિકસીત થઈ શકશે. વેક્સિન લાગતાની સાથે જ સાવધાની રાખજો. જે ધૈર્ય સાથે કોરોનાનો સામનો કર્યો, એ જ ધૈર્ય વેક્સિનેશન વખતે દેખાડવાનું છે.
ઐતિહાસિક વેક્સિનેશન
ઈતિહાસમાં આવડું મોટું વેક્સિનેશન અભિયાન અત્યાર સુધી નથી યોજાયું. ભારત પહેલા જ તબક્કામાં 3 કરોડથી વધુ લોકોને વેક્સિનેટ કરી રહ્યો છે, જ્યારે દુનિયાના 100થી વધુ દેશોની જનસંખ્યા જ આનાથી ઓછી છે. આપણે બીજા તબક્કામાં વેક્સિનેશનનું લક્ષ્ય 30 કરોડ સુધી લઈ જશું. દુનિયામાં આટલી વસ્તી વાળા ત્રણ જ દેશ ચીન ભારત અને અમેરિકા જ છે. એટલા માટે આ ઐતિહાસિક વેક્સિનેશન છે.