PGVCL : વીજચોરો સામે પીજીવીસીએલ આક્રમક, કામગીરી દરમ્યાન આશરે રૂ. 271.01 કરોડની પાવર ચોરી પકડી

PGVCL : વીજ ચેકિંગ દરમિયાન 4.74 લાખ જોડાણની ચકાસણી: 63 હજાર કનેકશનમાં ગેરરીતી ઝડપાઇ
અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયન તેમજ પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર પ્રીતિ શર્માના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમૉ પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક નાણાંકીય વર્ષમાં વીજ ચેકીંગની કામગીરી દરમ્યાન આશરે રૂ. 271.01 કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની હેઠળ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી છેલ્લા બાર માસમાં ઇન્સ્ટોલેશન ચેકીંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફીસની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરઓ અને વિભાગીગ કચેરીના કાર્યપાલક ઇજનેરઓની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલ-2024 થી માર્ચ-2025 દરમ્યાન કુલ 4,74,347 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંકી કુલ 63,198 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ. 271.01 કરોડ થવા પામેલ છે.
PGVCL : જીયુવીએનએલના વડપણ હેઠળ પીજીવીસીએલના વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન – ડીવીઝનના અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવેલ. ખાસ કરીને વીજચોરીમાં ડાયરેકટ લંગર, વાયરથી મીટર બાયપાસ, મીટરના સીલ સાથે ચેડા કરીને હેતુ ફેર, લોડ વધારો, સર્વિસ વાયર સાથે ચેડા કરવા વગેરે પ્રકારની ગેરરીતી વધુ પ્રમાણમાં જોવા મળી હતી.
વર્ષ દરમિયાન પાવર ચોરીનું રૂ. 1 કરોડથી વધુ રકમનું બીલ આપવામાં આવ્યું હોય તેવા ગ્રાહકો જેમ કે ભચાઉ તાલુકાના માનફરા ગામના સિલિકા મેન્યુફેકચરિંગ યુનિટના વીજ જોડાણમાં મીટર બાયપાસ કરી વીજ વપરાશ કરતા માલૂમ પડતાં રૂ. 1.65 કરોડનું, ટંકારા તાલુકાના વાઘગઢ ગામમાં ઓઇલ ઇન્ડ. ના ઔદ્યોગિક હેતુના યુનિટમાં ટર્મિનલ સીલ સાથે ચેડા કરી વીજચોરી થયાનું માલુમ પડતાં રૂ. 1.16કરોડનુ, કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામના એન્જીનીયરીંગ વર્કસ યુનિટના મેગ્નેટનો ઉપયોગ કરીને વીજ ચોરી થતી હોવાનું માલુમ પડતાં રૂ. 1.18 કરોડનું, ગોંડલ તાલુકાના શેમા ગામમાં સ્પિનીંગ મિલનનું મીટર શંકાસ્પદ જણાતાં લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાતા મીટર ધીમું ફરતું હોવાનું માલુમ પડતાં રૂ. 2.13 કરોડનું પુરવણી બિલ આપવામાં આવ્યું છે.
PGVCL : વિવિધ ટીમો દ્વારા એપ્રિલ-2024 થી માર્ચ-2025 માસ દરમ્યાન સૌરાષ્ટ-કચ્છમાં વીજ ચેકીંગ દરમ્યાન કુલ 4,74,347 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ 63,198 કનેકશનમાં ગેરરીતી ઝડપાઇ હતી અને અંદાજે રૂ. 271.01 કરોડના પુરવણી બીલો આપવામાં આવેલ.