
પાકિસ્તાનમાં ગુરુવારે સવારે એક ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ હૃદયદ્રાવક ઘટનામાં બે મુસાફરોના મોતના સમાચાર છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. પાકિસ્તાનના મીડિયા અનુસાર, આ બોમ્બ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે પેશાવરથી ક્વેટા જતી જાફર એક્સપ્રેસ ચિચવત્ની રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી.
બોમ્બ બ્લાસ્ટને કારણે બે લોકોના મોત થયા, જયારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોમ્બ બ્લાસ્ટ ટ્રેનની બોગી નંબર 6માં થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે બોમ્બ વિસ્ફોટના કારણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જાફર એક્સપ્રેસમાં બ્લાસ્ટનો આ બીજો કિસ્સો છે. ગયા મહિને આ ટ્રેનમાં આવો જ એક બ્લાસ્ટ થયો હતો, જેમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ વિસ્ફોટમાં જાફર એક્સપ્રેસના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા.
કેટલીક જગ્યાએ ઘાયલોની સંખ્યા આઠ હોવાનું કહેવાય છે જે વધી પણ શકે છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ક્રેશ થયેલા કોચની આસપાસ ઘેરાબંધી અને સુરક્ષાકર્મીઓ જોઈ શકાય છે. નોંધનીય છે કે, તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ વધી ગયા છે. મોટાભાગના હુમલા પાકિસ્તાની તાલિબાન દ્વારા કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. આ આત્મઘાતી હુમલામાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.