Narmada Dam Water Level Rise : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 131 મીટરને પાર, ઓવરફ્લોથી 7 મીટર દૂર, કાંઠાનાં ગામો એલર્ટ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે, આજે (31 જુલાઇ) સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા કરતા વધુ ભરાઈ ગયો છે, જેના પગલે તેને ‘વોર્નિંગ સ્ટેજ’ પર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સરદાર સરોવરના ઉપરવાસના કેચેમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલીને 30 જુલાઈના રોજ સાંજે 5 કલાકે 4,40,965 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતાં તેની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
હાલમાં નર્મદા ડેમની જળસપાટી વધીને 130.58 મીટર પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 કલાકમાં જ ડેમની સપાટીમાં 2 મીટરનો વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી 2,23,789 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં 41,026 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતાં વધુ હોવાથી, નર્મદા ડેમની જળસપાટી દર કલાકે 6 થી 7 સેન્ટીમીટર જેટલી વધી રહી છે.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેની સરખામણીમાં હજુ 8.10 મીટર જેટલું અંતર બાકી છે. જોકે, ચોમાસાની આખી સિઝન હજુ બાકી છે અને ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં તે ‘વોર્નિંગ સ્ટેજ’ પર આવી ગયો છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 33.55.35 MCM (મિલિયન ક્યુબિક મીટર) છે. નર્મદા ડેમની જળસપાટીમાં આ વધારો ચાલુ વર્ષે સારા ચોમાસાના સંકેત આપે છે અને ગુજરાતના ખેડૂતો તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે આશાસ્પદ સ્થિતિ નિર્માણ કરે છે. ડેમની જળસપાટી પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

હાલની પાણીની આવકને પગલે ડેમના RBPH (રિવર બેડ પાવર હાઉસ)ના 5 ટર્બાઇન ધમધમી રહ્યા છે અને CHPH (કેનાલ હેડ પાવર હાઉસ) પણ ચાલુ છે, જેનાથી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડાયેલું 4,23,789 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવશે તો મોટી જળરાશિ ભેગી થશે અને નિયત જળરાશિ કરતાં પાણીનો સંગ્રહ વધી જશે. આ સ્થિતિને પહોંચી વળવા અને રુલ લેવલ જાળવવા માટે આજે ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા

આ પૂર્વચેતીના પગલાં રૂપે, નર્મદા નદીના કાંઠાના ગામો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદીકિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.