
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડથી અરેરાટી: ઝેરી દારૂ પીધા બાદ 9નાં મોત, ચાર ગામમાં માતમ

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં કથિત ઝેરી દારૂ પીવાના કારણે 9 લોકોનાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. ચાર અલગ-અલગ ગામોમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની ગંભીરતાને પગલે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમો સક્રિય બની છે.
મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે ઘૂઘર, નૌરાજ, બરાજ સહિતના ગામોના કેટલાક લોકોએ દારૂનું સેવન કર્યું હતું. ત્યારબાદ કેટલાક લોકોની તબિયત અચાનક બગડવા લાગી હતી. પરિવારજનો દ્વારા અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બંડા સિવિલ હોસ્પિટલમાં 9નાં મોત
રવિવારે સવારે અસરગ્રસ્ત લોકોને બંડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબી તપાસ બાદ ડોક્ટરોએ 9 લોકોને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તબક્કે મોતનું કારણ કથિત ઝેરી દારૂ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટના બાદ અન્ય લોકોની પણ તબિયત અંગે ચિંતા વધી છે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ અને આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઘરે-ઘરે જઈને લોકોનું સ્ક્રીનિંગ
જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે લોકોને અપીલ કરી છે કે છેલ્લા 24થી 48 કલાક દરમિયાન દારૂનું સેવન કરનાર વ્યક્તિને કોઈ અસામાન્ય લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવી.
હાલમાં SDM અને તબીબોની ટીમો અસરગ્રસ્ત ગામોમાં ઘરે-ઘરે જઈને લોકોનું સ્ક્રીનિંગ કરી રહી છે. સાથે જ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
અગાઉ ભાવનગરમાં પણ ઝેરી દારૂકાંડ
ગુજરાતના ભાવનગર જિલ્લામાં પણ અગાઉ કથિત ઝેરી દારૂના કારણે 13 લોકોનાં મોતની ઘટના સામે આવી હતી. આ કેસમાં તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 39 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસ કોન્સ્ટેબલ મુખ્ય આરોપીના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું.
હાલ સાગર જિલ્લામાં બનેલી ઘટનામાં ઝેરી દારૂ ક્યાંથી આવ્યો અને તેના કારણે જ મોત થયાં છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. સત્તાવાર તપાસના અહેવાલ બાદ ઘટનાની વધુ વિગતો સામે આવશે.
