
દિલ્હીમાં 3 માળની ઈમારત ધરાશાયી: અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

દક્ષિણ પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી શરૂ કરી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકો પણ રેસ્ક્યૂ ટીમોને મદદ કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે
ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા અનુસાર, બપોરે આશરે 1:30 વાગ્યે ઈમરજન્સી કૉલ મળ્યો હતો. માહિતી મળતા જ ફાયર બ્રિગેડના આશરે પાંચ વાહનો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ કાટમાળ હટાવીને તેમાં કોઈ વ્યક્તિ ફસાઈ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઈમારત ધરાશાયી થવાનું કારણ હજુ સ્પષ્ટ નથી
પ્રાથમિક માહિતી મુજબ ઈમારત ત્રણ માળની હતી. ઈમારત કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.