માલપુરના ભેમપોડામાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદ, મોડાસા કોર્ટએ સંભળાવી સજા

માલપુરના ભેમપોડામાં છ મહિના અગાઉ હોળીની રાત્રે ઘરમાં સૂતેલી ચાર વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને ગામનો શખ્સ તેને ખેતરમાં લઈ જઇ બાળકી ઉપર બળાત્કાર ગુજારતાં માલપુર તાલુકામાં ચકચાર મચી ગઈ હતી. આ કેસ અરવલ્લી જીલ્લા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એચ.એન.વકીલે દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ દિનેશભાઈ પટેલની ધારદાર રજૂઆતો ગ્રાહ્ય રાખીને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

ભેમપોડામાં તા.17-3-2022 ની રાત્રે ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો પરિવાર ઘર પાસે આવેલા ખેતરમાં ઘઉં કાઢીને પરત ફર્યું હતું. દરમિયાન આ પરિવાર ગામમાં હોળી જોવા ગયું હતું. ત્યારે ઘરે સૂતેલી ચાર વર્ષની માસૂમ બાળકીનું ગામનો વિશાલ ઉર્ફે ગાજર સાલમભાઈ ખાંટ (24) મોકાનો ફાયદો ઉઠાવીને બાળકીનું અપહરણ કરીને તેને નજીકના ખેતરમાં લઈ જઇ બાળકીસાથે બળાત્કાર ગુજારીને આરોપી ભાગી છૂટ્યો હતો.  સમગ્ર ઘટનાને લઇને પોલીસે ઝીણવટ ભરી તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડીને જેલ હવાલે કર્યો હતો.

આ કેસ મોડાસાની અરવલ્લી જિલ્લા સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એચ એન વકીલ સમક્ષ ચાલી જતા ન્યાયાધીશ એ મેડિકલ અને દસ્તાવેજી પુરાવા તેમજ અન્ય પુરાવા તેમજ સરકારી વકીલની ધારદાર રજૂઆતો ગ્રાહ્ય રાખીને આરોપી વિશાલ ઉર્ફે ગાજર સાલમભાઈ ખાંટને તકસીરવાન ફેરવીને તેને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 20,000 દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરેતો વધુ છ માસની કેદની સજા ફટકારવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

પોલિસની મહેનત અને સરકારી વકીલની દલીલોના આધારે આરોપીને સજા થતાં જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે પોલિસ ટીમની કામગીરીની પ્રસંશા કરી હતી અને ઝડપી કેસ ઉકેલવામાં જિલ્લા પોલિસને મોટી સફળતા મળતા પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *