
દારૂ કૌભાંડમાં આરોપી મનીષ સિસોદિયાને હવે રાહત મળે તેવું લાગી રહ્યું નથી. દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન CBIની તરફથી નોંધવામાં આવેલા કેસમાં AAP નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીને 14 દિવસ માટે વધારી દીધી છે. તે 22 માર્ચ સુધી EDની રિમાન્ડ પર છે. તેવામાં જો આગળ EDને સિસોદિયાની રિમાન્ડ નથી મળતી તો AAP નેતાને ફરી તિહાડ જેલમાં મોકલવામાં આવશે. તેમને ઓછામાં ઓછી 3 એપ્રિલ સુધી જેલમાં જ રહેવું પડશે.
14 દિવસનાં રિમાન્ડની કરી અપીલ
CBIએ સોમવારે ફરી એકવાર સિસોદિયાની ન્યાયિક કસ્ટડીને 14 દિવસ વધારવાની અપીલ કરતાં કહ્યું કે તપાસ હજુ ચાલુ છે અને તે હાલમાં એક અગત્યનાં વળાંક પર છે. કોર્ટ CBIની અપીલનો સ્વીકાર કરતાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડીમાં વધારી છે. હાલમાં તેઓ EDની રિમાન્ડ પર છે. શુક્રવારે કોર્ટે તેમની રિમાન્ડને પાંચ દિવસ માટે વધારી હતી.
CBI બાદ EDએ લગાવ્યાં આરોપ
24 ફેબ્રુઆરી 2023નાં રોજ CBIએ મનીષ સિસોદિયાની પૂછપરછ કર્યાં બાદ તેની ધરપકડ કરી હતી. ઘણાં દિવસો સુધી CBIએ તેમને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી હતી અને બાદમાં કોર્ટે સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધું હતું. ત્યારબાદ મની લોન્ડેરિંગ કેસમાં EDએ સિસોદિયાની ધરપકડ કરી લીધી.