
માંડવીમાં ખારવા સમાજની 348મી રવાડી, ભક્તિ અને ઉત્સાહથી શહેર ગુંજી ઊઠ્યું
ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યોત્સવની ઉજવણીમાં ભક્તિ અને આનંદનો માહોલ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને આસ્થાળુઓ જોડાયા

માંડવીમાં દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્યોત્સવ પર્વની ઉજવણી અંતર્ગત ખારવા સમાજ દ્વારા પરંપરાગત રીતે 348મી મોટી રવાડીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મૂરલી મનોહર મંદિરેથી નીકળેલી આ રવાડીમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ભાવિકો અને આસ્થાળુઓ જોડાયા હતા.
ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ખાસ ઉપસ્થિતિ, નગર અધ્યક્ષા વર્ષાબેન જોશીની હાજરી તથા ખારવા સમાજના પ્રમુખ જિગરભાઈ ધાયાણીની આગેવાનીમાં જ્ઞાતિના અગ્રણીઓ સાથે રવાડીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
પરંપરાગત રથ સાથે ભવ્ય શોભાયાત્રા
રવાડીમાં પરંપરાગત રીતે સુશોભિત રથમાં ગરુડજી સાથે મૂરલી મનોહરજી ભગવાનની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી હતી. ત્યારબાદ સંગીત પાર્ટીઓ અને સવાલી ઢોલની ફળીઓના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.
રવાડી ઓખાઈ બજાર, શાક માર્કેટ, આશાપુરા માતાજી મંદિર, રંગચૂલી, લોહાણા મહાજનવાડી, લક્ષ્મીનારાયણ ચોક થઈને તળાવવાળા નાકા સુધી પહોંચી હતી. ત્યાં સ્નાનાદિ વિધિ બાદ વહેલી સવારે રવાડીને વિરામ આપવામાં આવ્યો હતો.

રાત્રિ દરમિયાન શહેરમાં ભક્તિનો માહોલ
સમગ્ર રાત્રિ દરમિયાન માંડવી શહેરમાં આનંદ અને ઉત્સવનો માહોલ છવાયેલો રહ્યો હતો. રવાડીના માર્ગમાં ઠેર-ઠેર ભાવિકો અને આસ્થાળુઓએ ભગવાન મૂરલી મનોહરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાતા શહેરના વિવિધ માર્ગો ભરચક બની ગયા હતા.
આ પ્રસંગે નગરસેવકો નિર્મલાબેન મહેન્દ્ર માલમ, પારસ સંઘવી, કૃપાબેન રાજેશ કસ્તૂરિયા, હેમાંગભાઈ કાનાણી, પૂર્વ પ્રમુખ શિવજીભાઈ ભુદા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દ્વારકા, જામનગર અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ખારવા સમાજના અગ્રણીઓ તથા જ્ઞાતિજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ધાર્મિક વિધિમાં આગેવાનોની ઉપસ્થિતિ
આ પ્રસંગે આનંદીબેન મહેન્દ્ર મોતીવરસ, કૃપાબેન રાજેશ કસ્તૂરિયા, રાખીબેન સુરેશભાઈ રાઠોડ અને ધ્વનિબેન નિકુલ કષ્ટાએ સજોડે પૂજનનો ધર્મલાભ લીધો હતો. ધાર્મિક વિધિ-વિધાન નવીન ચંદુભાઈ વ્યાસ દ્વારા કરાવવામાં આવ્યા હતા.
રવાડીમાં જગદીશભાઈ તાવડીવાલા (દ્વારકા), દીપેશભાઈ જોશી (પ્રમુખ, સમસ્ત બ્રહ્મસમાજ, પશ્ચિમ કચ્છ), મુકેશ જોશી, મિતેશ સચદે, વૈભવ સંઘવી સહિત વિવિધ આગેવાનો જોડાયા હતા.
ખારવા સમાજના વિવિધ ગ્રુપો, હનુમાન દેરી ગ્રુપ, દરિયાલાલજી ગ્રુપ તેમજ સમાજની યુવા અને મહિલા શક્તિએ પણ રવાડીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નરેન્દ્ર પીઠડિયા, દર્શન ગોસ્વામી સહિત સનાતન હિન્દુ સમાજના મોવડીઓ અને મોટી સંખ્યામાં આસ્થાળુઓની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

દેશ-વિદેશમાંથી સમાજના પ્રતિનિધિઓ પહોંચ્યા
આ ઐતિહાસિક રવાડીમાં દેશના વિવિધ ભાગો ઉપરાંત પરદેશમાંથી પણ ખારવા સમાજના પ્રતિનિધિઓ માંડવી પહોંચ્યા હતા. પરંપરા, ભક્તિ અને સામાજિક એકતાના અનોખા સંગમ સમી 348મી મોટી રવાડીએ માંડવીમાં શ્રીકૃષ્ણ પ્રાગટ્યોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવી હતી.
રવાડીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર માર્ગો પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે સુરેશભાઈ ઝાલા અને બિપિનભાઈ ફોફંડીએ જણાવ્યું હતું કે રવાડીમાં લોકોનો ઉત્સાહ અને ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
