
બારડોલી: સુરત જિલ્લાની કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. પોલીસ તેમની પાસેથી મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ 25 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કડોદરાના અકળામુખી હનુમાન મંદિર ફળિયા તરફ જવાન રોડ પર જાહેરમાં વોચ ગોઠવી હતી. તે સમયે કાળા રંગની એક્સેસ મોપેડ નંબર જીજે 5 એક્સ એચ 3545બે રોકી તલાશી લેતા તેમની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

પોલીસ મોપેડ પર સવાર આનંદ વિષ્ણુપ્રસાદ પાંડે (રહે જીવનદીપ નગર, બમરોલી રોડ,સુરત મૂળ રહે જનવડીખુર્દ જી. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ), રાહુલ વિંધ્યાચલ ઓઝા રહે, આરાધના ડ્રીમ – 1, જોલવા, તા. પલસાણા, મૂળ રહે કાદિપુર, જી. અયોધ્યા, ઉત્તરપ્રદેશ ) અને શુભમ વિનયકુમાર તિવારી ( રહે સુખીનગર, પાંડેસરા, સુરત, મૂળ ઘટમાપૂર, જી. ભદોહી ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. પોલીસ તેમની પાસેથી પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન અને એક્સેસ મોપેડ કિંમત રૂ. 20 હજાર મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ કડોદરામાં નોંધાયેલ મોબાઈલ ચીલઝડપનો એક ગુનો ઉકેલી કાઢ્યો હતો.