
નવું વર્ષ જેમ-જેમ નજીક આવી રહ્યું છે તેમ-તેમ તેની ઉજવણી અર્થે કચ્છમાં શરાબનો જથ્થો ઠલવાઇ રહ્યો છે. ત્યારે પોલીસ પણ સતર્ક બની છે.
પશ્ચિમ કચ્છ પોલીસની એલસીબીએ માંડવી તાલુકાના પાંચોટિયાની સીમમાં દારૂના જથ્થાની કટીંગની બાતમીના આધારે દરોડો પાડતા અધધ શરાબની 5,220 બોટલ કિ. 19,92,180 સાથે એક શખ્સને દબોચી લીધો હતો. ગઇકાલે રાત્રે એલસીબીની ટીમ ગઢશીશા-માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, મૂળ પાંચોટિયા હાલે માંડવી રહેતો દેવરાજ ગોપાલ ગઢવીએ શરાબનો જથ્થો બહારથી મંગાવ્યો છે અને પાંચોટિયાની સીમમાં કટીંગ પોઇન્ટ ગોઠવી અલગ અલગ મળતિયાઓને માલ આપવાનો છે.
આ બાતમીના આધારે એલસીબીની ટીમે પંચોને સાથે રાખી પાંચોટિયાની સીમમાં કાચા રસ્તે જતા એક સ્વીફટ કાર નં. જી.જે. 12-સી.ડી. 5232 આવતી મળતા તેને રોકાવી ચાલકનું નામ-ઠામ પૂછતાં જીવરાજ ઉર્ફે જીવલો ખીમરાજ ગઢવી (રહે. પાંચોટિયા) હોવાનું જણાવ્યું હતું. કારની ડીકી તપાસતા શરાબના બોક્ષ મળી આવ્યા હતા.
જથ્થો કયાંથી લાવ્યાનું પુછપરછ કરતા સીમમાં ખેતરપાળ દાદાનાં મંદિર પાસે બાવળોની ઝાડીમાં દેવરાજ ગઢવી આ માલ કાર અને છોટા હાથીમાં ભરાવી આપવાનું જણાવતા તેના આધારે ઘટનાસ્થળે ટીમ ત્યાં ધસી જતા પોલીસને જોઇને આરોપી દેવરાજ ઉપરાંત અન્ય શખ્સો નાસી છૂટયા હતા. ઘટનાસ્થળેથી ટાટા એસીઇ (છોટા હાથી) નં. જી.જે. 12 એ.વી. 562 કિ. રૂા. 2,00,000 તથા સ્વીફટ કાર કિ. રૂા. 3,50,000 તેમજ સુઝુકીનું મોપેડ નં. જી.જે. 12 ઇએમ 1048 કિ.રૂા. 50,000 અને એક મોબાઇલ કિ. રૂા. 5000 તેમજ અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલ નં. 5,220 કિ. રૂા. 19,92,180 એમ કુલ્લે રૂા. 25,97,180ના મુદ્માલ સાથે ઝડપાયેલ આરોપી જીવરાજ તેમજ નાસી ગયેલા આરોપી દેવરાજ વિરુદ્ધ માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરાઇ હતી. એલસીબીના પી.આઇ. એસ.એન. ચુડાસમાને મળેલી બાતમીના આધારે આ સફળ દરોડાની કામગીરીમાં એલસીબીના હે.કો. વીરેન્દ્રસિંહ જાડેજા, બાલાભાઇ ગોયલ, બલભદ્રસિંહ રાણા, મયૂરસિંહ જાડેજા, નવીનકુમાર જોશી, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલ જોડાયા હતા.