
સવારે’ શિતળતા અલ્પજીવી રહ્યા પછીથી ઉનાળાએ પ્રારંભથી જ આકરાં પાણીએ આણ વર્તાવવા માંડી હતી.
ફેબ્રુઆરી મહિનામાં જ જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો સીધો 40 ડિગ્રી સેલ્સીયસને આંબી જતાં એક દાયકા કરતાં વધુ સમયનો વિક્રમ તૂટયો હતો. ભુજ ગુરુવારે 40.3 ડિગ્રી સાથે સમગ્ર ગુજરાતનું સૌથી ગરમ મથક બની રહ્યું હતું.નીચા પારે 10.8 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો હજુય અનુભવનાર નલિયા સિવાય સૂરજબારીથી સરહદ સુધી સમગ્ર રણપ્રદેશમાં આજે દિવસ તપ્યો હરતો. ભુજમાં ભેજનું પ્રમાણ સવારે 66 ટકા રહ્યું હતું.
તો સાંજે માંડ 15 ટકા જેટલી હાજરી પૂરાવી હતી. સૂર્યના સામ્રાજ્ય સામે કલાકના માત્ર બે કિ.મી.ની મંદગતિ સાથે પવન પાંગળો પૂરવાર થયો હતો. મોસમના મંડાણ જ હજુ તો થયાં છે, ત્યારે’ વિક્રમી તાપમાં તપવા માંડેલાં શહેરી જનજીવને અત્યારથી જ પાણી ઠંડું કરવા ફ્રિઝમાં મૂકવા માંડયું હતું. તો પંખાના પાંખડા ફરવાની ગતિ પણ વધવા માંડી હતી. હજુ તો જેઠ, વૈશાખ જેવાં પરંપરાગત ઉનાળુ મહિનાઓ બાકી છે, હોળી તપવાની બાકી છે, ત્યારે જ આવો તાપ વરસ્યો છે. તો આવનારા દિવસોમાં ઉનાળો કેટલો આકરો બનશે તેની કલ્પના માત્રથી કચ્છી જનજીવન પરસેવે રેબઝેબ થવામાં પાંચ ઓછી છે. હજુ પણ સવારે અને રાત્રે ઠંડીના ચમકારા સામે દિવસે તાપ, બફારા વચ્ચે વાતાવરણમાં વિષમતાથી માથાંનો દુ:ખાવો, અંગ જકડાઇ જવાં, તાવ, શરદી, ઉધરસ, કફ જેવી તકલીફો ક્યાંક જોવા મળી હતી. કંડલા એરપોર્ય પર 38.1 ડિગ્રી અને રાપર, ખાવડામાં પણ 38 ડિગ્રી તાપમાનના કારણે અંજાર, વરસામેડી, ગળપાદર સહિત કચ્છના પૂર્વીય ભાગો, વાગડ પંથક, રણકાંધીના સીમાવર્તી ગામોએ ઉનાળુ અસર અનુભવી હતી.