
કેન્દ્ર સરકાર દ્વારા પહેલી એપ્રિલથી દાગીનાનું વેચાણ કરતા તમામ જ્વેલર્સ માટે હોલમાર્કિંગ યુનિક આઈડી ફરજીયાત કરાઈ છે. જેથી પહેલી તારીખ પછી જ્વેલર્સે સોનાના દાગીના વેચતા પહેલાં હોલમાર્કિંગ કરાવવું પડશે. સોનાના ગેરકાયદે વેચાણને અટકાવવા માટે નિયમ ફરજીયાત કરાયો છે. કોઇ જ્વેલર્સ હવે 22 કેરેટના નામે 18 કેરેટના ઘરેણા પધરાવી નહીં શકે.
દર 10 ગ્રામે હજાર જેટલો ખર્ચ વધી જશે જે ખરીદનાર પર ભારી
આ એચયુઆઈડી સોની વેપારીએ પોતાની પાસે રહેલા જૂના દાગીના પર કરાવવાનો રહેશે. જ્યારે લોકો પાસે રહેલા જૂના દાગીનામાં એચયુઆઈડી નંબર નહિ હોય તો પણ માન્ય ગણાશે.જૂનો માર્ક ચાર ડિજિટનો હતો.જ્યારે નવો માર્ક 6 ડિજિટનો છે જેમાં આલ્ફા અને ન્યૂમેરિક બન્ને જોવા મળશે.
આ કાયદો જુલાઈ 2021થી અમલમાં આવ્યો છે પણ લાગુ હવે થશે. મહત્વનું છે કે,તેમાં 2 ગ્રામ સુધીના દાગીનામાં છુટ અપાઈ છે પણ દર 10 ગ્રામે ખરીદનાર માથે હજાર જેટલો ખર્ચ વધી જશે તેમજ વેપારીઓને દાગીના હોલમાર્ક કરાવવા સાથે તેના વેચાણની વિગતો દર્શાવવા રજિસ્ટર નિભાવણી કરવી પડશે.વેપારીઓના મતે વેચાણ કરતા આ વ્યાયામ વધી જશે.
હોલમાર્ક યુનિક આઇડેન્ટીફીકેશન શું છે ?
HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટીફીકેશન.હવેથી દાગીનામાં કેરેટ, તેની ફાઈન્ડ નેસ, બીઆઈએસ લોગો, હોલમાર્ક સેન્ટરનું નામ અને નંબર સહિતની માહિતી હશે. દાગીના વેચતી વખતે વેપારીએ તેની એન્ટ્રી કરવાની રહેશે જેથી બીઆઈએસ ડેટાના મારફતે ઘરેણાંની વિગતો જાણી શકશે.એચયુઆઈડીથી સોનાની શુદ્ધમાં કોઈ વધારો થતો નથી. પરંતુ શુદ્ધતાની ખાતરી મળી જાય છે.
નવા નિયમની પારદર્શિતા
દાગીના હોલમાર્ક સેન્ટરમાં જતા તેના પર એચયુઆઈડી નંબર લાગશે. તેમાં કોનો દાગીનો છે,વજન કેટલું છે, કયા સેન્ટર પર એચયુઆઈડી નંબર લાગ્યો તે સહિતની બાબતોનો ઉલ્લેખ જોવા મળશે.જેની મદદથી ટેકસ ચોરી અટકશે.
મિલાવટ સામે પણ સાવચેતી ઉભી થશે
જ્વેલરી 14, 16, 18, 20 અને 22 કેરેટની હોય પણ કેટલાક કિસ્સાઓમાં વેપારી દ્વારા ગ્રાહકે માંગેલા કેરેટના દાગીનામાં ઓછા કેરેટના દાગીના પધરાવી દેવામાં આવતા હોય છે અથવા તો મિલાવટ કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ સામે આવતી હોય છે. .જ્યારે ગ્રાહક વેચવા જાય ત્યારે જ તેને માહિતી મળે છે પણ હવે હોલમાર્ક યુનિક આઈડી ફરજિયાત થતા ગ્રાહકો અને જ્વેલર્સ બંનેને ફાયદો થશે.