
IPL ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડ, લગ્નના વચન સાથે સંબંધ બાંધવાના આરોપો
IPL દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર-બેટર અને બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલ સામે નોંધાયેલા ગંભીર કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસે તેમની ધરપકડ કરી છે. હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં એક યુવતીએ પોરેલ પર લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાનો તેમજ અન્ય ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસે કોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરી હતી.
IPL મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂઆત
પોલીસે ધરપકડ બાદ અભિષેક પોરેલની મેડિકલ તપાસ કરાવી હતી અને ત્યારબાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કેસમાં અગાઉ કલકત્તા હાઈકોર્ટે પોલીસને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. તપાસ દરમિયાન સંબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
IPL મેડિકલ વિદ્યાર્થિનીની ફરિયાદથી કેસ સામે આવ્યો
આ કેસની શરૂઆત હુગલીના મોગરા પોલીસ સ્ટેશનમાં એક મેડિકલ વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. ફરિયાદ મુજબ યુવતી અને અભિષેક પોરેલ વચ્ચે સંબંધ હતો અને લગ્નની વાત પણ ચાલી રહી હતી. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે લગ્નનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા.
ફરિયાદમાં અંગત પળોના રેકોર્ડિંગ સહિતના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પરિવાર સ્તરે લગ્ન અંગે ચર્ચા થયા બાદ યુવતીને પોરેલના અન્ય મહિલાઓ સાથેના કથિત સંબંધોની જાણ થઈ હતી, ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
IPL પોરેલે આરોપોને ગણાવ્યા ખોટા
આ સમગ્ર મામલે અભિષેક પોરેલે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસ તપાસ દરમિયાન ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે.
IPL ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ
કેસની તપાસમાં ડિજિટલ પુરાવા મહત્વના બની શકે છે. અહેવાલો મુજબ કોર્ટના નિર્દેશ બાદ પોલીસે પોરેલ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરીને તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરિયાદી યુવતીની ઓળખ અને અંગત સામગ્રીની ગોપનીયતા જાળવવા માટે પણ કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.
કોણ છે અભિષેક પોરેલ?
23 વર્ષીય અભિષેક પોરેલ બંગાળ તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે અને દિલ્હી કેપિટલ્સ માટે IPLમાં વિકેટકીપર-બેટરની ભૂમિકા ભજવે છે. રિષભ પંતની ગેરહાજરી દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમમાં તેમને તક મળી હતી અને ત્યારથી તેઓ ટીમનો મહત્વનો હિસ્સો બન્યા છે.
પોરેલે IPLમાં અત્યાર સુધી 35 મેચમાં 769થી વધુ રન બનાવ્યા છે અને તેમની બેટિંગનો સ્ટ્રાઇક રેટ 145ની આસપાસ રહ્યો છે. 2026ની IPL સીઝન માટે દિલ્હી કેપિટલ્સે તેમને રૂ. 4 કરોડમાં રિટેન કર્યા હતા.
ઘરેલુ ક્રિકેટમાં પણ પોરેલે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. જોકે હાલ તેમની ક્રિકેટ કારકિર્દી કરતાં તેમની સામે ચાલી રહેલો કાનૂની કેસ ચર્ચામાં છે.
