મુંબઇમાં સરેઆમ ગુજરાતી ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા, સમગ્ર પાટીદાર સમાજમાં રોષ

મુંબઈમાં કચ્છી બિલ્ડરની જાહેરમાં ગોળી ધરબી હત્યા કરી દેવાની ઘટનાથી સમગ્ર વાગડ પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ હત્યા જમીન કે નાણાકીય લેવડદેવડના કારણે થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મૂળ રાપરના રહેવાસી અને હાલ નવી મુંબઈ ખાતે રહેતા સવજી ગોકર મંજેરી (ઉં.વ 65)ની ગઈકાલે સાંજે ગોળી મારીને હત્યા કરાતા મુંબઈ સાથે સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ મામલે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

બાઇક પર આવ્યા હતા 2 શખ્સો
મળતી માહિતી અનુસાર, મૂળ કચ્છના રાપર તાલુકાના સાંય ગામના રહેવાસી અને હાલ મુંબઈના નેરુલ ખાતે રહેતા જાણીતા બિલ્ડર સવજી ગોકર મંજેરી ગઈકાલે સાંજે 5.30થી 6.00 વાગ્યાની આસપાસ નેરુલ સેક્ટર 6 અપના બજાર પાસેથી કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક મોટરસાયકલ પર આવેલા 2 શખ્સોએ તેમની કારને અટકાવી હતી.

બિલ્ડરની કાર પર કર્યું ધડાધડ ફાયરિંગ
તેઓ કંઈ બોલે એ પહેલા જ મોટરસાયકલ પર આવેલા બંને શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

પોલીસની થઈ દોડતી
મુંબઈ પોલીસ દોડતી થઈ હતી. આ હત્યા જમીનની લેવડદેવડ, મિલકત કે અન્ય નાણાકીય લેવડદેવડને કારણભૂત થઈ હોવાનું મુંબઈ પોલીસને અનુમાન છે.

પાટીદાર સમાજમાં રોષ
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સવજીભાઈ મંજેરી મુંબઈમાં જાણીતા બિલ્ડર હતા. જેઓ વસ્તા અને ઈમ્પીરિયા ગ્રૂપ સાથે સંકળાયેલા હતા. પાટીદાર અગ્રણીની હત્યા થતાં પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *