
Gujarat : CM સહિત મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો, મંત્રી મૂળુ બેરાએ કહ્યું-કેશુભાઈ સરકાર વખતે રસ્તા સારા નહોતા, હવે સારી સ્થિતિ છે
સોમવારે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને તેમનાં ખાતાંની ફાળવણી કરાઈ હતી. ત્યારે આજે મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લેશે. આ પહેલાં કુબેર ડિંડોરે ચાર્જ લીધો હતો.
CM પટેલે રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે 13મી ડિસેમ્બરે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત્ સંભાળ્યો છે. પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપુષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા.

મંત્રીઓને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે બહુજન હિતાય-બહુજન સુખાયની ખેવના તેમજ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે એવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.
6 રાજ્યકક્ષાના મંત્રીઓની નિમણૂક
મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નન્સ પાછળ વિભાવના એવી છે કે મંત્રીમંડળમાં ઓછી સંખ્યાના મંત્રીઓ હોય, તેથી તેમની પાછળ પગાર-ભથ્થાં સહિતના ખર્ચા ઓછાં થાય, પરંતુ મહત્તમ સરકારી કામ થવું જોઇએ. સૌથી મહત્તમ સંખ્યામાં ધારાસભ્ય ચૂંટાયા હોવા છતાં 156 પૈકી ભૂપેન્દ્ર પટેલે માત્ર સોળ એવા સાથીઓને પસંદ કર્યાં છે, જેમની સાથે મળીને તેઓ આગળના સમયમાં મહત્તમ કામ કરવા પ્રયત્ન કરશે.
કેશુભાઈ વખતે સુવિધા ન હતી આજે ખૂબ છે
આજે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલ સરકાર સમયે યોગ્ય સુવિધા નહોતી. રસ્તાની સ્થિતિ સારી નહોતી, વન – પર્યાવરણ પણ યોગ્ય સ્થિતિમાં નહોતા પરંતુ આજે ખૂબ સુવિધા છે.
2012માં 6 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રી
મોદી 2001માં સૌથી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની કેબિનેટમાં માત્ર સાત મંત્રી હતા, એ પછી 2002ની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં 9 કેબિનેટ અને સાત રાજ્યકક્ષાના મંત્રી સહિત 16 સભ્યો, 2007માં 9 કેબિનેટ અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે 18 સભ્યો, જ્યારે 2012માં 6 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે 16 સભ્ય હતા.