
ગાંધીનગરમાં દારૂનું વેચાણ કરતા ઇસમો સામે પોલીસ સ્પેશિયલ ડ્રાઇવ યોજી કડક કાર્યવાહી કરી રહી છે.
ત્યારે પૂર્વ બાતમીના આધારે એલસીબી પોલીસે કોલવડાના ફ્લેટમાં દરોડો પાડી એરફોર્સ મેસમાં નોકરી કરતાં એક શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 48 જેટલી બોટલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી ટીમે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી
છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરનાં પેથાપુર પોલીસ મથકની હદ વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ કરતાં ઈસમોને પકડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન એલસીબીની ટીમ પ્રોહીબિશન ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પૂર્વ બાતમીના આધારે કોલવડાના આસારામ આશ્રમની સામે આવેલા શ્રવણ અમૃત હાઈટ્સના મકાન નંબર સી – 306માં દરોડો પાડ્યો હતો અને બલમિતકુમાર મિશ્રા નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની 48 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત 32 હજારથી વધુ બતાવવામાં આવી રહી છે.
આરોપી એરફોર્સ મેસમાં નોકરી કરે છે
આરોપીની પૂછપરછમાં તે હાલમાં એરફોર્સ સિલેક્શન બોર્ડ સેકટર-25 ખાતેની મેસમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મુજબ, પોલીસે જપ્ત કરેલા ભારતીય બનાવટના વિદેશ દારૂના જથ્થામાં મળેલી બોટલો પર ડિફેન્સ સર્વિસસ કેન્ટીનનાં સિક્કા મારેલા હતા. આ અંગે એલસીબીએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી શખ્સ સામે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.