ગાંધીનગર: પિતાનું સપનું પૂરું કરવા LLBની વિદ્યાર્થિનીએ બનાવ્યો માસ્ટર પ્લાન, પરંતુ ટ્રેનિંગમાં આ રીતે ભાંડો ફૂટ્યો

સરકારી નોકરી મેળવવા માટે યુવક-યુવતીઓ અથાગ મહેનત કરતા હોય છે. પરંતુ, આવી મહેનત ન કરવી પડે તે માટે કેટલાક યુવાનો ગુનાહિત પ્રવૃત્તિઓનો માર્ગ અપનાવે છે. ત્યારે એવો એક કિસ્સા ગાંધીનગરથી સામે આવ્યો છે. અમદાવાદની એક યુવતીએ પીએસઆઈ બનવાની પિતાની મહેચ્છા પૂર્ણ કવા માટે ઇન્ચાર્જ ડીજીપીની ખોટી સહીઓ કરેલા નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને પીએસઆઈની પરીક્ષા પાસ કરી હોવાના બોગસ ડોક્યુમેન્ટ સાથે યુવતી ગાંધીનગર ખાતે કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લેવા પહોંચી હતી. જો કે, દસ્તાવેજોના ક્રોસ વેરિફિકેશન થતા યુવતીનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે ડભોડા પોલીસે ગુનો નોંધી યુવતીની પૂછપરછ હાથ ધરી છે. 

બે મહિના પહેલા જ પિતાનું થયું હતું અવસાન

મીડિયા અહેવાલ મુજબ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં યુવતી ભાડાના મકાનમાં રહે છે અને તે એલએલબીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતીના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. પિતાનું સપનું હતું કે તેમની દીકરી પોલીસ બને. આમ પિતાનું સપનું પૂર્ણ કરવા યુવતીએ પીએસઆઈની પરીક્ષા પણ આપી હતી, પરંતુ તે સફળ નહોતી થઈ. ત્યાર બાદ યુવતીએ તેની માતાને પોલીસ નહીં બનવાની વાત કરી હતી. પરંતુ, માતાએ પિતાનું સપનું હોવાની વાત કરી હતી. ત્યાર બાદ યુવતીએ પીએસઆઈની પ્રિલીમ પરીક્ષામાં પાસ થયાનો ખોટો લેટર, પરીક્ષા ઉત્તીર્ણ થયાનો અને પીએસઆઈ પરીક્ષામાં પાસ થયાનો બોગસ કોલ લેટર પણ બનાવ્યા હતા.  

ખોટા ડોક્યુમેન્ટ સાથે ટ્રેનિંગ લેવા પહોંચી

પરિવારના દબાણ હેઠળ ખોટા ડોક્યુમેન્ટ લઈને યુવતી ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી પહોંચી હતી. જો કે, શંકા જતા પોલીસ અધિકારીઓએ પહેલા યુવતીની પૂછપરછ કરી. ત્યારબાદ તેની પાસેથી મેળવેલ તમામ ડોક્યુમેન્ટનું ક્રોસ વેરિફિકેશન કર્યું અને પીએસઆઈની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની લિસ્ટ પણ ચેક કરી, જેમાં યુવતીનું નામ નહોતું. આથી શંકા સાચી પૂરવાર થતા યુવતીની કડક પૂછપરછ કરતા તેણે ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સ્વીકાર્યું હતું. આ મામલે ડભોડા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *