
શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી ઉદ્યોગનગર વિસ્તારમાં એક ટ્રક માંથી 500 પેટી વિદેશી દારૂ સાથે 2 શખ્સને ઝડપી લીધા બાદ તપાસ પોરબંદર એસઓજીને સોંપવામાં આવતા આરોપીને રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તાર માંથી એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ઉદ્યોગનગર જીઆઇડીસી રોડ પર આવેલ આઈસ ફેકટરી પાસેથી DL1 GE 1328 નંબરનો ટ્રક પસાર થતા આ સેલના સ્ટાફે ટ્રક રોકાવી તપાસ કરતા ટ્રક માંથી વિદેશી દારૂની 500 પેટી એટલેકે 7800 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવતા, પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 34,82,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને રાજસ્થાનના હિંમતસિંહ લાલ અમરસિંહ રાજપૂત તથા ભવરલાલ ધરમજી મીણા નામના બન્ને આરોપીને ઝડપી લીધા હતા. આ અંગે વધુ તપાસ પોરબંદરના એસઓજી ને સોંપવામાં આવી છે. ઉદ્યોગનગર પોલીસના નાક નીચેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી વિદેશીદારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
વધુ તપાસ એસઓજીના પીઆઈ હસમુખ ધાંધલિયા ચલાવી રહ્યા છે ત્યારે આ બન્ને આરોપીની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસ અધિકારી ધાંધલિયાએ જણાવ્યું હતુંકે, આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો અને અત્યાર સુધી કેટલી હેરફેર કરવામાં આવી છે તેમજ દારૂના ગુન્હાના મૂળ સુધી તટસ્થ તપાસ કરવામાં આવશે.