
CRIME: માંડવીમાં 247 ગ્રામ ચરસના જથ્થા સાથે સાધુની ધરપકડ
CRIME : કચ્છમાં માદક પદાર્થની બદી વ્યાપક બની છે ત્યારે તેને નેસી નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના પગલે બાતમીના આધારે કાર્યવાહી થતી જોવામાં આવે છે. આવી જ એક કાર્યવાહી એસઓજીએ માંડવીમાં કરીને 247 ગ્રામ માદક પદાર્થ ચરસના જથ્થા સાથે 70 વર્ષીય કિશોરદાસ કાશીરામદાસ સાધુની અટક કરી છે.
CRIME : આ અંગે પશ્ચિમ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ જાહેર કરેલી વિગતો મુજબ ગઈકાલે તેમની ટીમના એ.એસ.આઈ. સિદ્ધરાજસિંહ ઝાલા તથા હે.કો. ચેતનસિંહ જાડેજાને મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે માંડવીના પોર્ટ રોડ ખાતે રામેશ્વર મંદિરની પાછળ બનાવેલા મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ ચરસ 247 ગ્રામ કિ. રૂા. 37,050 અને એક મોબાઈલ કિ. રૂા. 3000, રોકડા રૂા. 31,500 અને વજન કાંટો કિ. રૂા. 1,000 એમ કુલ્લે રૂા. 72,550ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરદાસને ઝડપી તેની વિરુદ્ધ માંડવી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
CRIME: આ કામગીરીમાં એસઓજીના પીઆઈ કે. એચ. ગઢવી, એ.એસ.આઈ. દિનેશભાઈ ગઢવી, સિદ્ધરાજસિંહ, હે.કો.ચેતનસિંહ, રજાકભાઈ સોતા, ભાવેશભાઈ ચૌધરી, ડ્રાઈવર મહિપતસિંહ સોલંકી જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે આવા માદક પદાર્થ ગાંજો, ચરસ અને હેરોઈન, એન. ડી. ડ્રગ્સ છૂટક રીતે કચ્છ સુધી પહોંચાડવામાં ક્યાંકને ક્યાંક પરપ્રાંતીયોની ભૂમિકા હોય જ છે. આમ આ દુષણ પાછળ રાજ્ય બહારના તાર જોડાયેલા હોવાથી આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી આ પરપ્રાંતીય સુધી પગેરુ દબાવવામાં આવે તે જરૂરી બન્યાનું સંબંધિતો જણાવી રહ્યા છે.