
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સતત ત્રીજા દિવસે પણ વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયો હતો. સવારના 10 વાગ્યા સુધી સૂર્ય નારાયણના દર્શન લોકો કરી શક્યા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે રાજકોટની ઉંચી ઇમારતો જાણે અદ્રશ્ય થઇ ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બીજી તરફ વિઝિબિલિટી ઘટતા હાઇવે પર વાહનચાલકોએ હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી, જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રસ્તા પર શિમલા-મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા રાજકોટ આવતી સ્પાઇસ જેટની બંને ફ્લાઇટ એકથી બે કલાક મોડી પડી હતી. દિલ્હીથી આવતી ફ્લાઇટ બે કલાક તો મુંબઇથી આવતી ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી.