
કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે ત્યારે કોવિડ ગાઇડલાઇન સાથે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના 6 મહાનગરોમાં ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે અવતીકાલે થનાર મતદાનમાં CM વિજયભાઈ રૂપાણી કોરોનાની ગાઈડ લાઇન્સને અનુસરી CM PPE કીટ પહેરી મતદાન કરશે. ભારતની આ પહેલી એવી ચૂંટણી હશે જેમાં રાજ્યના CM કોરોના પોઝિટિવ થયા બાદ મતદાન કરશે.
CM ચૂંટણીના પ્રચારમાં જોડાઈ શક્યા ન હતા
વડોદરા ખાતે ચૂંટણી લક્ષી સભા સંબોધન બાદ તબિયત લથડયા બાદ બીજા દિવસે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો માટે કોરોના સંક્રમિત હોવાથી આવતીકાલની ચૂંટણીમાં CM વિજય રૂપાણી કોવીડને ધ્યાને રાખીને મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમટાઉન એ રાજકોટ છે અને રાજકોટમાં કોઇ પણ ચૂંટણી હોય તો તે ચૂંટણીના પ્રચારમાં અને મતદાનમાં મુખ્યમંત્રીની અચૂક હાજરી જોવા મળતી હોય છે ત્યારે આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હોવાથી ચૂંટણીના પ્રચારમાં જોડાઈ શક્યા ન હતા પંરતુ કોવિડની ગાઇડલાઇન્સને અનુસરીને CM મતદાન કરશે, રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે મતદાનનો સમય સાંજે 5 થી 6 વાગ્યાનો છે, ત્યારે વોર્ડ નં-10 ના મતદાર CM વિજય રૂપાણી આ સમયાનુસાર મતદાન કરશે. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી પણ આવતીકાલે કિંમતી અને પવિત્ર મતાધિકાર નો ઉપયોગ કરી મતદાન કરી લોકશાહીના મહાપર્વ ની ઉજવણી કરશે
કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલનકરી મતદારો મતદાન કરશે
આવતીકાલે તારીખ 21 ફેબ્રુઆરી ના રોજ ગુજરાતના 6 મહાનગરો રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર , અને જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન થવાનું છે. આ મતદાનના મહાપર્વમાં કોરોનાની માર્ગદર્શિકા અનુસાર મતદાન મથક પર મતદારોએ ફરજિયાત પણે માસ્ક પહેરી, હાથ સેનેટાઇઝ કરાવી, ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર ચકાસી બાદમાં મતદાન કરવા જવા દેવામાં આવશે. તથા મતદાન મથક પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે.