
Bihar Election 2025 : બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 121 બેઠક પર 1314 ઉમેદવાર મેદાને
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે.. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.
Bihar Election 2025 : તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આરજેડી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું, “હું બધા મતદારોને મતદાન કરવા અપીલ કરું છું… બંને પુત્રોને માતા તરીકે મારી શુભેચ્છાઓ. બંનેને આશીર્વાદ.”
Bihar Election 2025 : ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન થશે. જેમાંથી દિઘા (પટણા)માં સૌથી વધુ 4.58 લાખ મતદારો છે, જ્યારે બરબીઘા (શેખપુરા)માં સૌથી ઓછા 2.32 લાખ મતદારો છે. કુઢની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ 20 ઉમેદવારો છે. જ્યારે ભોરે, અલૌલી અને પરબત્તામાં ફક્ત 5-5 ઉમેદવારો છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 36,733 ગ્રામીણ વિસ્તારોમાં છે. કુલ મતદારોમાંથી 10.72 લાખ નવા મતદારો છે, જ્યારે 18-19 વય જૂથના મતદારોની સંખ્યા 7.38 લાખ છે.
Bihar Election 2025 : પ્રથમ તબક્કા માટે, 121 જનરલ, 18 પોલીસ અને 33 ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટણા, ભોજપુર અને બક્સર જિલ્લાઓમાં મતદાન થશે.
Bihar Election 2025 : પ્રથમ તબક્કામાં કુલ 3 કરોડ 75 લાખ 13 હજાર 302 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં 1 કરોડ 98 લાખ 35 હજાર 325 પુરુષ, 1 કરોડ 76 લાખ 77 હજાર 219 મહિલા અને 758 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં 45,324 મુખ્ય બૂથ અને 17 સહાયક બૂથનો સમાવેશ થાય છે.