
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ઈન્દોરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ જિલ્લા અને પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યો પત્ર જુની ઈન્દોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મીઠાઈની દુકાન પર મળ્યો છે. હાલમાં, પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના આધારે પત્ર છોડનાર વ્યક્તિને શોધી રહી છે.

અજાણ્યા વ્યક્તિએ મુક્યો પત્ર
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્દોરના જુની વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનમાં એક અજાણ્યો વ્યક્તિ પત્ર મૂકી ગયો હતો. જ્યારે દુકાનના માલિકની નજર આના પર પડી તો તેણે પત્ર પોલીસને સોંપી દીધો. આ પત્રમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાના ભાગરૂપે ઈન્દોરની ખાલસા કોલેજમાં રોકાવા પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
ડીસીપીએ પત્રની પુષ્ટિ કરી
ડીસીપી ઈન્ટેલિજન્સ રજત સકલેચાએ પણ ધમકીભર્યા પત્રની પ્રાપ્તિની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે આ પત્ર ઉજ્જૈનથી આવ્યો હતો. હકીકતમાં આ પત્રમાં એક ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 23 નવેમ્બરથી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. હાલમાં આ યાત્રા મહારાષ્ટ્રમાં ચાલી રહી છે. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો તથા નેતાઓ રાહુલ ગાંધીની સાથે પગપાળા યાત્રા કરી રહયા છે. બોમ્બની ધમકીના મામલે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે તાજેતરમાં પંજાબના કીર્તનકારે ખાલસા કોલેજમાં પ્રકાશ પર્વ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથને સન્માનિત કરવા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેઓ ફરી ક્યારેય ઈન્દોર નહીં આવે. આ અંગે ઘણો વિવાદ પણ થયો હતો.