BAN ON BATHING IN GOMTI RIVER : કલેક્ટરનું ફરમાન, અવાર-નવાર યાત્રિકોની ડૂબવાની ઘટનાને લઈને દ્વારકાની ગોમતી નદીમાં નહાવા પર પ્રતિબંધ

BAN ON BATHING IN GOMTI RIVER : દેવભૂમિ દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગઈકાલે ગુરુવારે જામનગરના સાત યાત્રીઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હતું. ગોમતી નદીમાં અવાર-નવાર ડૂબવાની ઘટના સામે આવે છે, ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીમાં લોકોને નહાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરના ફરમાન બાદ ગોમતી ઘાટ પર ચસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગઈકાલે ગુરુવારે (5 જૂન) જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓ હતા. યાત્રીઓને ડૂબવાની ઘટનાને લઈને સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હતું, મૃતક યુવતીની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઇ હતી. જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં બે મહિલાઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવી હતા.
છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે. જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા. જોકે સુરક્ષાકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના 21મેના રોજ સર્જાઇ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં પાટણના મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો.