
Assembly Election 2024 Voting
Assembly Election 2024 Voting : મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન થયું હતું. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસનું ભાવિ EVMમાં કેદ થયું છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર અને ઝારખંડમાં 38 બેઠકો (બીજો તબક્કો) પર મતદાન થયું. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ. આ ચૂંટણીઓનું પરિણામ 23મીએ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે જંગ છે.
Assembly Election 2024 Voting : મતદાનના સરેરાશ આંકડા
Assembly Election 2024 Voting : મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા સરેરાશ મતદાનના આંકડા સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં 58.43 ટકા અને ઝારખંડમાં (બીજો તબક્કો) 67.76 ટકા મતદાન થયું છે.સલમાન ખાન બાદ હવે એક્ટર શાહરૂખ ખાન પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન બુથ પર પહોંચ્યો હતો. શાહરૂખ ખાને તેમના પત્ની ગૌરી ખાન, દીકરી સુહાના ખાન અને દીકરા આર્યન ખાન સાથે મતદાન કર્યું હતું.
Assembly Election 2024 Voting : ઉત્તરપ્રદેશમાં તમામ 9 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ
ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. કરહલ, કુંદરકી, સીસામઉ, કટેહરી, ગાઝિયાબાદ, ખૈર, મઝવાં, મીરાપુર, ફૂલપુર આ નવ બેઠકો પર મતદાન થયું છે.
યુપીમાં ચૂંટણી પંચની કડક કાર્યવાહી
યુપીમાં પેટાચૂંટણીમાં ભારે હોબાળો, પથ્થરમારો અને લાઠીચાર્જના કારણે ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચે યુપીમાં તૈનાત તમામ અધિકારીઓને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કડક આદેશ આપ્યા છે. આટલું જ નહીં ચૂંટણી પંચે કહ્યું છે કે ક્યાંય પણ ગરબડ લાગે તો સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવામાં આવે.
ચૂંટણી પંચે યુપીના અધિકારીઓને આદેશ આપ્યા છે કે કોઈ પણ વ્યક્તિને મત આપવાથી રોકવામાં ન આવે. પક્ષપાત કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાનપુરમાં પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
સત્ય સામે આવશે: ઠાકરે
બિટકોઇન કાંડ મામલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે, કે ‘ભાજપ ગમે તેટલું જુઠ્ઠાણું ફેલાવે. સત્ય તો સામે આવીને જ રહેશે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરે.’
વિનોદ તાવડેને ફસાવાઈ રહ્યા છે: ફડણવીસ
વિનોદ તાવડે પર કેશ આપીને વોટ ખરીદવાના આરોપ લાગી રહ્યા છે. એવામાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેમનો બચાવ કરતાં કહ્યું છે, કે ઈકો સિસ્ટમનો ખોટો ઉપયોગ કરીને વિનોદ તાવડેને ફસાવવામાં આવી રહ્યા છે.
હું તો ખેડૂત છું: નાના પટોલે
બિટકોઇન મામલે ભાજપે લગાવેલા ગંભીર આરોપ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ જવાબ આપ્યો છે. નાનાએ કહ્યું છે, ‘ઓડિયોમાં મારો અવાજ નથી. હું તો ખેડૂત છું. બિટકોઇન એટલે શું એ મને સમજાતું નથી. અમે ભાજપ નેતાઓ પર બદનક્ષીનો કેસ કરીશું.’
મહારાષ્ટ્રના CM અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કર્યું વોટિંગ
મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ મતદાન બાદ કહ્યું હતું, કે ‘મહારાષ્ટ્રમાં પણ મહા વિકાસ આઘાડીની જ સરકાર બનશે. કોંગ્રેસને સૌથી વધુ મત મળવાના છે.’
યુપીમાં પેટાચૂંટણી: મુઝફ્ફરનગરમાં મતદાનની વચ્ચે હોબાળા બાદ પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ
યુપીની મીરાપુર તથા કુંદરકી વિધાનસભા બેઠક પર થઈ રહેલી પેટાચૂંટણીમાં પોલીસ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે. આરોપ છે કે પોલીસ લોકોને મત આપવાથી રોકી રહી છે અને મતદાન કેન્દ્રથી ધક્કા મારીને કાઢવામાં આવી રહ્યા છે. જે બાદ ટોળેટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં અત્યંત નીરસ મતદાન
મહારાષ્ટ્રના નેતાઓ તથા ફિલ્મી સિતારાઓની અપીલ બાદ પણ ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું છે. સવારના નવ વાગ્યા સુધીમાં માત્ર 6.03% મતદાન થયું છે. બીજી તરફ ઝારખંડમાં સરેરાશ 12.71 ટકા મતદાન થયું છે.
રાહુલ ગાંધીની અપીલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે, કે ‘તમારા હિતોની રક્ષા કરવા તથા ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરો. તમારો મત જળ, જમીન, અને જંગલની રક્ષા કરશે.’
PM મોદીએ લોકોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો.
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર ચૂંટણી
મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર મતદાન યોજાયું. જેમાં 528 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થયું. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.
કોના કેટલા ઉમેદવારો મેદાનમાં?
ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 50થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે 37 સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
કાકા અને ભત્રીજા વચ્ચે રસપ્રદ લડાઈ
પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે ‘દેશદ્રોહીઓને હરાવવા’ અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ NCPની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (UBT) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.
શરદ પવાર લોકસભાના પ્રદર્શનની જેમ વિધાનસભામાં આશા રાખીને બેઠા
શરદ પવાર આવતા મહિને 84 વર્ષના થશે. તેમણે લોકસભા ચૂંટણીમાં પોતાના ભત્રીજાને જોરદાર ફટકો આપ્યો હતો. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ આનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અજિત પવાર પુનરાગમન માટે આશાવાદી છે. શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વિપક્ષી મહા વિકાસ અઘાડીનો ભાગ છે, જેમાં કોંગ્રેસ ત્રીજો મહત્વનો ખેલાડી છે. એનસીપી અને શિવસેના ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી મહાયુતિ સાથે ગઠબંધનમાં છે.
Assembly Election 2024 Voting : ઝારખંડમાં 500થી વધુ ઉમેદવારો મેદાનમાં છે
ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન યોજાયું. જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યું. 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થયું. જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે.
Assembly Election 2024 Voting : ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા હતા. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.