
કર્ણાટકના ટોલ બૂથ પર એમ્બ્યુલન્સ ગમખાર અકસ્માત, VIDEO:ગાયને બચાવવા માટે બ્રેક મારી, રસ્તા પર પાણી હોવાની કારણે સ્લીપ થઈ ગઈ, ચાર નાં મોત
કર્ણાટકથી એક રુંવાડા ઊભો કરી દેતો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્યના બિંદૂર નજીક એક ટોલ ગેટ પર ફુલ સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સનો જ અકસ્માત થયો, જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે. એમ્બ્યુલન્સ એક દર્દીને કુંડાપુરાથી હોન્નાવરા લઈ જઈ રહી હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે રસ્તાઓ ભીના હતા. આ દરમિયાન ટોલ પર તૈનાત કર્મચારીઓએ ફુલ સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સ જોઈ. તેમને તાત્કાલિક જ બેરિકેડ્સ હટાવવાના પ્રયાસ કર્યા, પરંતુ એમ્બ્યુલન્સની સ્પીડમાં હોવાને કારણે ડ્રાઈવરે તેના પર કંટ્રોલ ગુમાવી દીધુ અને એમ્બ્યુલન્સ સ્લીપ થતાં ટોલનાકાના કાઉન્ટર સાથે અથડાઈ. ધડાકાભેર એમ્બ્યુલન્સ ફંગોળાઈ ગઈ હતી, અને તેમાં જે દર્દી હતો તે પણ ઘણે દૂર જઈને પડ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર આ ભયાનક અકસ્માતની ઘટના ટોલ બૂથ પર લાગેલા CCTVમાં કેદ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદમાં એમ્બ્યુલન્સ લપસી જવાને કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. ફૂટેજમાં દેખાય છે કે ટોલ પર તૈનાત કર્મચારીઓ એમ્બ્યુલન્સને જોઈને બેરીકેડ્સ હટાવવા દોડતા જોવા મળે છે. એક ગાર્ડ ટોલ પ્લાઝા પહેલા બે બેરિકેડ્સને સફળતાપૂર્વક દૂર કરી દે છે. પરંતુ છેલ્લા બેરિકેડને હટાવે તે પહેલાં જ એમ્બ્યુલન્સ રસ્તા પર સ્લીપ થઈને ઊંધી થઈ જાય છે અને ધડાકાભેર ટોલ બૂથના કાઉન્ટર સાથે અથડાય છે.
