
અમેરિકાના સંશોધનકર્તા અને વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિશને એક વખત તેમની ઓફિસના પટ્ટાવાળાને બોલાવ્યો અને તેના હાથમાં એક બલ્બ આપી તેનો ટેસ્ટ કરવા કહ્યું. બલ્બની શોધમાં સતત નિષ્ફળતા મેળવનાર એડિસનની વાત સાંભળી પટ્ટાવાળો ખૂબ જ ગભરાઈ ગયો અને તેના હાથમાંથી બલ્બ પડી ગયો.
બલ્બના ટૂકડા થઈ ગયા. જોકે, એડિસને તેને કંઈ જ ન કહ્યું, અને બે દિવસ બાદ ફરી વખત તેને બોલાવ્યો. આ વખતે પણ એડિસને તેના હાથમાં એક બલ્બ આપી દીધો.
આ વખતે એડિસન સાથે કામ કરનારા એક સાથીએ તેમને ટોક્યાં અને કહ્યું તમે પટ્ટાવાળાને આ બલ્બ ન આપશો. જો તે પડી જશે તો ફરી વખત તમારી મહેનત પાણીમાં જશે. આ વાત સાંભળી એડિસને કહ્યું કે જો બલ્બ તૂટી જશે તો ફરી વખત બની પણ જશે. પણ, પટ્ટાવાળાનો વિશ્વાસ તૂટી જશે તો તે પરત લાવવો મુશ્કેલ બનશે. આત્મવિશ્વાસ વગર કામ કરવું મુશ્કેલ છે. તેમની આ વાતે સૌને માટે એક ઉત્તમ બોધ આપ્યો.
એક વખત એક પત્રકારે એડિસનને પ્રશ્ન કર્યો હતો કે 10 હજાર વખત નિષ્ફળતા મળ્યા બાદ સફળ થવા બદલ તમને કેવો અહેસાસ થાય છે? આ અંગે એડિશને કહ્યું કે હું 10 હજાર વખત નિષ્ફળ નથી ગયો. પણ મેં 10 હજાર વખત બલ્બની શોધ કરી છે. આ મહાન શોધકર્તા એડિશને આજના દિવસે 141 વર્ષ અગાઉ એટલે કે 27 જાન્યુઆરી 1880ના રોજ ઈલેક્ટ્રિક બલ્બની પેટન્ટ મેળવી હતી.
થોમસનો જન્મ 11 ફેબ્રુઆરી 1847ના રોજ અમેરિકાના મિલાનમાં થયો હતો. તેમણે પોતાના જીવનમાં શોધખોળોની 1,093 પેટન્ટ કરાવી હતી. અભ્યાસમાં નબળા એડિસને 10 વર્ષની ઉંમરમાં જ તેમના ઘરમાં એક લેબ તૈયાર કરી લીધી હતી. તેમની માતાએ રસાયણ શાસ્ત્રનું એક પુસ્તક તેમને આપ્યું હતું. તેમા કેમિકલ ફોર્મ્યૂલા લખી હતી. પ્રયોગ પાછળ થતા ખર્ચ કાઢવા માટે તેમણે કામ પણ શરું કર્યું હતું. બલ્બ તૈયાર કરવામાં 40 હજાર ડોલરનો ખર્ચ થયો હતો. હાઈ રેજીસ્ટેન્સ વાળા કાર્બન થ્રેડ ફિલામેન્ટની પણ તેમણે શોધ કરી હતી. તે 40 કલાકથી વધારે કામ કરી શકતી હતી. એડિસનનું 18 ઓક્ટોબર 1931ના રોજ અવસાન થયું.
એડિસનની મહત્વની શોધો
આમ તો એડિસને એક હજારથી વધારે શોધો કરી હતી. પણ,તેમના કેટલાક કામોને હંમેશા યાદ કરવામાં આવશે. ઈલેક્ટ્રેકિટ બલ્બ સાથે જ તેમને અવાજ રેકોર્ડ અને પ્લેબેક કરનારા ફોટોગ્રાફ ઉપકરણની પણ શોધ કરી હતી. બલ્બમાં લાગતા સેફ્ટી ફ્યૂઝ અને ઓન/ઓફ સ્વીચ પણ તૈયાર કરી હતી. મોશન પિક્ચરનીની શોધનો શ્રેય પણ એડિશનને જાય છે.
ભારત અને વિશ્વમાં 27 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટના આ પ્રકારે છેઃ
1891: પેન્સિલવેનિયાના માઉન્ટ પ્લીસેન્ટમાં ખાણમાં થયેલા વિસ્ફોટમાં 109 લોકોના મૃત્યુ થયા હતા.
1943: અમેરિકાએ જર્મની પર પ્રથમ વખત હવાઈ હુમલો કર્યો હતો.
1959: નવી દિલ્હીમાં પ્રથમ એન્જીનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો
1969: ઈરાકના બગદાદમાં 14 લોકોને જાસૂસીના અપરાધમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
1996: ફ્રાંસે છઠ્ઠુ અને અંતિમ ન્યૂક્લિયર ટેસ્ટ કર્યું
2007: હિન્દીના સાહિત્યકાર કમલેશ્વરનું અવસાન થયું હતું.
2013: અફઘાનિસ્તાનના કંધારમાં થયેલા બોમ્બ હુમલામાં 20 પોલીસ કર્મચારીએ જીવ ગુમાવ્યો હતો.
