AIR INDIA FLIGHT TECHNICAL GLITCH : ભુજ મુંબઈ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનીકલ ખામી જણાતા 4 કલાક બાદ ઉડાન ભરશે

AIR INDIA FLIGHT TECHNICAL GLITCH : ભુજ એરપોર્ટ પરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં આજે સવારે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. સવારે 9:55 કલાકે ઉડાન ભરવાની હતી તે ફ્લાઇટમાં પાયલટને ટેક્નિકલ ક્ષતિ જણાતા તાત્કાલિક ઉડાન રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મોડી પડવાથી હવાઈ યાત્રીઓ પરેશાનીમાં મુકાયા છે.

આ અંગે ભુજ એરપોર્ટ ઓથોરિટીના અધિકારી નવીન સાગર સાથે વાત કરતા તેમણે ફ્લાઇટ મોડી થઈ હોવાની પુષ્ટિ કરી હતી. વધુમાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અહિંથી મુંબઇ માટે સવારે 9.55 મિનિટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની 180 સીટર એર બસમાં તેના પાયલટને ટેક્નિકલ ક્ષતિ માલુમ પડતા ઉડાન રદ્દ કરી હતી. જેને લઈ તમામ 180 પ્રવાસીઓને પરત પોર્ટ સંકુલમાં લવાયા હતા.

હાલ ફ્લાઈટની તપાસ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. સબ સલામત હોવાથી પ્રવાસીઓની ફરી બોર્ડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લગભગ 2 વાગ્યા બાદ ફ્લાઇટ ઉડાન ભરશે. અલબત્ત ફ્લાઈટમાં શું ખામી સર્જાઈ હતી તે સામે આવ્યું નથી.
હવાઈ યાત્રા કરાવતી એર ઇન્ડિયા કંપનીની ફ્લાઈટની અનિયમિતતાને લઈ સતત ચર્ચામાં આવી રહી છે. ખાસ કરીને ગત 12 જૂને અમદાવાદથી લંડન માટે ઉડાન ભરનારી ફ્લાઇટ દુર્ઘટના ગ્રસ્ત બન્યા બાદ કંપનીની અલગ અલગ ફ્લાઈટમાં સતત ખામી સર્જાવાના સમાચાર સામે આવતા રહ્યા છે.