AI-GHIBLI-APPLE : એપલ દ્વારા હાલમાં જ ભારતમાં એપલ ઇન્ટેલિજન્સને લોન્ચ કરવામાં આવ્યું…Ghibli (જિબ્લી) ઇફેક્ટ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું

AI-GHIBLI-APPLE : એપલ દ્વારા હાલમાં જ ભારતમાં એપલ ઇન્ટેલિજન્સને લોન્ચ કરવામાં આવ્યું છે. એની સાથે માર્કેટમાં ટકી રહેવા માટે એપલ દ્વારા Ghibli (જિબ્લી) ઇફેક્ટ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ચેટજીપીટી દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ ફીચર દુનિયાભરમાં ખૂબ જ ટ્રેન્ડમાં આવી ગયું છે. ત્યાર બાદ ગ્રોક સહિત અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ એ ફીચર આવી ગયું હતું. આ રેસમાં પાછળ ન રહી જાય એ માટે એપલ દ્વારા પણ હવે એને લોન્ચ કરવામાં આવ્યું છે.
એપલ દ્વારા આઇફોન અને આઇપેડ માટે 18.4 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. મેક માટે 15.4 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. એપલના M ચીપ ધરાવતા મેકમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. તેમ જ આઇફોનમાં 15 પ્રો અને 15 પ્રો મેક્સ બાદના તમામ વર્ઝનમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. જોકે, આ માટે ઓપરેટિંગ સિસ્ટમ 18.4 અપડેટ કરવી જરૂરી છે.
AI-GHIBLI-APPLE : એપલ ઇન્ટેલિજન્સમાં હાલમાં ઘણાં બદલાવ કરવામાં આવ્યા છે, જેમાં રાઇટિંગ ટૂલ અને ફોટો મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે. રાઇટિંગ ટૂલની મદદથી યુઝર ફરીથી લખી શકે છે, ભૂલો સુધારી શકે છે અને સંક્ષેપમાં લખી શકે છે. આ ટૂલને મેલ, મેસેજ, નોટ્સ અને થર્ડ-પાર્ટી એપ્સમાં ઉપયોગ કરી શકાશે. આ સાથે જ યુઝર જેવું લખવામાં આવ્યું છે, એ માટે પ્રોફેશનલ ભાષા અથવા ફ્રેન્ડલી ભાષાનો પણ ઉપયોગ કરી શકશે. ફોટો એપ્સમાં ક્લીપઅપ ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂલની મદદથી ફોટોમાંથી કોઈ પણ વસ્તુ કાઢી શકાય છે. આ ફીચરને પણ વધુ ઍડ્વાન્સ બનાવવામાં આવ્યું છે.
એપલ ઇન્ટેલિજન્સનો સમાવેશ ફોટો એપમાં પણ કરવામાં આવ્યો છે. ફોટો એપમાં મેમરી ક્રિએશન નામનું ફીચર છે, જે ફોટોનો ઉપયોગ કરીને વીડિયો બનાવવા માટે ઉપયોગી છે. જોકે હવે એમાં ચોક્કસ ટેક્સ્ટ દ્વારા એપલ ઇન્ટેલિજન્સને હુકમ આપીને યોગ્ય વીડિયો બનાવી શકાશે. એપલ ઇન્ટેલિજન્સમાં ઇમેજ પ્લેગ્રાઉન્ડ ફીચર પણ છે. આ ફીચરની મદદથી હવે વિવિધ સ્ટાઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા એમાં ઇલસ્ટ્રેશન અને એનિમેશન સ્ટાઇલ હતી, પરંતુ હવે સ્કેચ સહિત અન્ય સ્ટાઇલનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ પણ આઇફોન યુઝર્સ પ્લેગ્રાઉન્ડ ફીચરની મદદથી સ્ટુડિયો જિબ્લી સ્ટાઇલના ફોટાને બનાવી શકશે. યુઝર્સ હવે તેના ફ્રેન્ડ અને ફેમિલી જેવા દેખાતા લોકોનું ઇમોજી પણ બનાવી શકશે. નોટ્સ અને ફોન એપ્સમાં કોલ રેકોર્ડિંગ, ટ્રાન્સક્રિપ્શન અને સમરીઝ કરવા માટેનું ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે.
AI-GHIBLI-APPLE : એપલ ઇન્ટેલિજન્સને પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મોટાભાગનું કામ આઇફોનમાં થાય છે, એટલે કે એ માટે તમામ ડેટા આઇફોનમાં જ સ્ટોર થાય છે. આઇપેડ અને મેકનો ઉપયોગ કરતાં હોય તો ડેટા એમાં જ સ્ટોર થાય છે અને તમામ પ્રોસેસ એમાં જ થાય છે. કોઈ કામ એવું હોય, જે માટે મોટા મોડલ અથવા વધુ પ્રોસેસિંગ પાવરની જરૂર હોય, તો એ માટે પ્રાઇવેટ ક્લાઉડ કમ્યુટ મોડલનો ઉપયોગ થાય છે. એને પણ એટલું સિક્યોર રાખવામાં આવ્યું છે કે કોઈ પણ ડેટા સ્ટોર નથી થતો. હાલમાં ચેટજીપીટી અને ગ્રોકનો ઉપયોગ કરવાને કારણે ઘણી પ્રાઇવસીને લગતા સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે એપલ ઇન્ટેલિજન્સમાં એ મુદ્દો ચર્ચાનો વિષય નથી.