અમરાઈવાડી વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. વિધવા મહિલા દીકરીને સ્કૂલે મુકવા ગઈ અને તસ્કરોએ તેમના ધરમાં ધૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 3.37 લાખના મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પતિનું કોરોનાકાળમાં મૃત્યું થયું હતું
અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા પુનમબેન પઢીયારે ઘરમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, પુનમબેન હાલ તેમની 12 વર્ષની દીકરી સાથે રહે છે. તેમના પતિ દીપકભાઈનું કોરોનામાં મૃત્યુ થયું હતું. દીપકભાઈએ તેમની દીકરીના લગ્ન માટે દાગીના વસાવ્યા હતા. જે પુનમબેને તિજોરીમાં સાચવીને મૂક્યા હતા. દરમિયાન સોમવારે બપોરે ઘરના મુખ્ય દરવાજે તાળું મારી પુનમબેન દીકરીને સ્કૂલ મૂકવા ગયા હતા. પરંતુ, પરત આવીને જોઈ તો ઘરનો સામાન વેરવિખેર હતો અને રસોડાની બારી ખુલ્લી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
પુનમબેને તિજોરીમાં ચેક કર્યું તો તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તસ્કરો ઘરના રસોડામાં આવેલી બારીમાંથી અંદર ઘૂસ્યા હતા અને દાગીના, રોકડ મળી કુલ 3.37 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવીના ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી છે. મળતી માહિતી મુજબ, તસ્કરોને પકડવા માટે પોલીસે એફએસએલની મદદ પણ લીધી છે.