અમદાવાદમાં રવિવારે પણ ચાલુ રહી શકશે સ્કૂલો, DEOની નવી સૂચના

અમદાવાદમાં રવિવારે પણ ચાલુ રહી શકશે સ્કૂલો, DEOની નવી સૂચના

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી શાળાની રજાઓથી અભ્યાસક્રમ પર અસર થતાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ શહેરની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ શાળાઓ ચાલુ રાખી શકશે.

DEOની સૂચના અનુસાર રવિવારે અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું તેમજ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે. જોકે, વિદ્યાર્થીઓની સલામતી અને સ્થાનિક હવામાનની સ્થિતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની રહેશે.

પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે શાળા શરૂ કરતા પહેલાં વાલીઓને અગાઉથી જાણ કરવી, શિક્ષકોની ઉપલબ્ધતા અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને જ આયોજન કરવું જરૂરી રહેશે. રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સંબંધિત શાળા સંચાલકોના સ્વૈચ્છિક નિર્ણય પર આધારિત રહેશે.

ઉલ્લેખનીય છે કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારે વરસાદની આગાહીને કારણે અમદાવાદમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી, જેના કારણે શૈક્ષણિક કાર્ય ખોરવાયું હતું. હવે બાકી રહેલો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થઈ શકે તે માટે DEO દ્વારા આ માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *