અમદાવાદના અબજોપતિ રહે છે તે સોસાયટીમાં અર્બન પ્લાનિંગ પાણીમાં ગયું, 125 કરોડના નુકસાનનો દાવો

અમદાવાદના અબજોપતિ રહે છે તે સોસાયટીમાં અર્બન પ્લાનિંગ પાણીમાં ગયું, 125 કરોડના નુકસાનનો દાવો

અમદાવાદ શહેરમાં ગુરુવારે (23મી જુલાઈ) પડેલા મુશળધાર વરસાદ બાદ 60 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં બોપલ, ઘુમા, શેલા, શીલજ અને આંબલી જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વણસેલી જ છે. વરસાદ થંભી ગયા બાદ પણ અનેક સોસાયટીઓ અને ઘરોના બેઝમેન્ટ હજી પણ તળાવમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. અનેક સ્થળોએ 3થી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો નજરકેદ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

રકાબી જેવું બંધારણ અને રોડનું ઊંચું લેવલ બન્યું મુસીબત

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, બોપલ વિસ્તારનું ભૌગોલિક બંધારણ ‘ચાની રકાબી’ જેવું હોવાથી આસપાસનું તમામ પાણી અહીં એકત્ર થાય છે. તદુપરાંત, આ વિસ્તારોમાં સ્ટોર્મ વોટર અને યોગ્ય ડ્રેનેજ લાઈનનું માળખું ન હોવાથી પાણીના ત્વરિત નિકાલમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

બીજી તરફ, આંબલી વિસ્તારની પોશ ગણાતી ‘સેન્ટોસા પાર્ક’ સોસાયટીમાં પણ અર્બન પ્લાનિંગની ગંભીર ખામી સામે આવી છે. સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, ઝવેરી સર્કલથી રિંગરોડ તરફનો નવો રસ્તો સોસાયટીના મૂળ લેવલથી આશરે 5 ફૂટ ઊંચો બનાવવામાં આવતાં આસપાસનું તમામ પાણી સોસાયટી તરફ ધસી આવે છે. આ સોસાયટીમાં 125 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.

સેન્ટોસા સોસાયટીમાં ઉદ્યોગપતિ સહિતની હસ્તીઓ રહે છે

સેન્ટોસા પાર્ક સોસાયટીમાં શહેરના અનેક જાણીતા ઉદ્યોગપતિઓ અને અગ્રણી નાગરિકો રહે છે, જેમાં વાડીલાલ ગ્રૂપના રાજેશ ગાંધી, વિવાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ તેજસ જોશી, ખાંડવાલા ગ્રૂપના ઓનર રાજેશ ખાંડવાલા, કુંવરજી ફીનસ્ટોકના નયનભાઈ ઠક્કર, જ્વેલર્સ મનુભાઈ ઝવેરી સહિતની હસ્તીઓનો સમાવેશ થાય છે.

19 સોસાયટીમાં પાણીના નિકાલની કામગીરી ચાલું

અમદાવાદ મ્યુનિસિપલના જણાવ્યાનુસાર, હજી સુધી 19 સોસાયટીઓમાં પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે. જેમાં દક્ષિણ, પશ્ચિમ ઝોનની 14, ઉત્તર,પશ્ચિમની 3 અને પશ્ચિમની 2 સોસાયટીઓનો સમાવેશ થાય છે. શહેરમાં કુલ 126 સોસાયટીમાં પાણી ભરાયા હતા. આ પૈકી 107 સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરાયો છે.

કરોડપતિઓની સોસાયટી બચાવવા ગામ ડૂબાડ્યાનો આક્ષેપ

આંબલી સ્થિત સેન્ટોસા પાર્ક સોસાયટી, કે જ્યાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ વસે છે, ત્યાંથી તંત્ર દ્વારા પમ્પિંગ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ નિકાલ નજીક આવેલા મુમતપુરા ગામ તરફ વાળી દેવાતાં મુમતપુરાના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તંત્રની આ કામગીરીને લીધે પાણી ગામની શેરીઓ અને ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોને આખી રાત જાગીને વિતાવવી પડી હતી.

તંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત અને નિકાલના પ્રયાસો

પાણીનો ઝડપી નિકાલ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે:

•હંગામી નાળું: બોપલમાંથી પાણી કાઢવા માટે આશરે 350 મીટર લંબાઈનું હંગામી નાળું બનાવી ડીવોટરિંગ પમ્પ દ્વારા ૧૨૦૦ મીમી લાઈનમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ પાણી ઘુમા તળાવ થઈ ગોતા-ગોધાવી કેનાલ મારફતે આગળ મોકલવામાં આવી રહ્યું છે.

•પાણીનો ઉલેચાવ: તંત્રના દાવો અનુસાર અત્યાર સુધીમાં 55.27 કરોડ લિટરથી વધુ વરસાદી પાણી ઉલેચવામાં આવ્યું છે.

•સોસાયટીઓમાં કામગીરી: શહેરમાં ભરાયેલા 126 માંથી 107 સોસાયટીઓમાંથી પાણી નીકાળી દેવાયા છે, જ્યારે ૧૯ સોસાયટીઓમાં હજુ પણ પમ્પિંગ કામગીરી ચાલુ છે.

નારણપુરામાં હાઉસિંગ બોર્ડની સ્કીમની દીવાલ ધરાશાયી

છેલ્લાં બે દિવસમાં શહેરમાં બાંધકામ સાઈટની ડાયાફ્રામ વોલ ધસી પડવાના ચારથી પાંચ બનાવો સામે આવ્યા છે. જેથી બાંધકામ સાઈટ આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેવામાં નારણપુરામાં તો જૂદ હાઉસિંગ બોર્ડની રિડેવલપમેન્ટ સ્કીમની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેના લીધે તેને અડીને આવેલા સૂર્યા એપાર્ટમેન્ટના કેટલાક ઘર ખાલી કરાવી 12 પરિવારોને ગુજરાત હાઉસિંગ બોર્ડના કમ્યુનિટી હોલમાં ખસેડવાનો વારો આવ્યો હતો. દુર્ઘટનાને પગલે સાઈટની બાંધકામની રજાચિઠ્ઠી સ્થગિત કરાઈ છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *