
પાયલ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટર
120 બેઠકમાંથી 93 બેઠક પર ભાજપ અને 27 પર આપનો વિજય થયો
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં બધામાં ભાજપની જીત થઈ છે. જોકે ડાયમંડ સિટી સુરતના પરિણામોએ બધાને ચોંકાવી દીધાં છે અને ખાસ કરીને કોંગ્રેસ માટે વધુ ફટકારૂપ છે. અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે અને આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટી (આપ)ની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટીની 27 બેઠક પર જીત થઈ છે, જેમાં સૌથી નાની ઉંમર એટલે કે 22 વર્ષીય પાયલ સાકરિયા વોર્ડ નં-16માં જીત મેળવી કોર્પોરેટર બની છે. ભાજપના પ્રતિસ્પર્ધીને પાયલ સાકરિયાએ 9669 મતની લીડથી હરાવીને વિજય હાંસલ કર્યો છે.
પાયલ પાસે માત્ર 1.42 લાખની મિલકત
પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર હતી. તેની ઉંમર માત્ર 22 વર્ષ છે. તે સુરત શહેરના સૌથી ઓછી વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.