અંજારના ઠક્કર વેપારીની દીકરીનું અપહરણ કરી 10 કરોડની ખંડણી મગાઈઃ યુવતી ભુજમાંથી મળી

અંજારના વેપારીની વીસ વર્ષની દીકરીનું ગઈકાલે સાંજે અજાણ્યા શખ્સે અપહરણ કરીને તેને છોડાવવા માટે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગતા કચ્છભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

જો ખંડણી ના મળે તો યુવતીની હત્યા કરવાની ધમકી મળતાં યુવતીના પિતાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ ખાતું હરકતમાં આવી ગયું હતું અને યુવતીને શોધવા આખી રાત દોડધામ કરી હતી.
રેન્જ આઈજી જે.આર.મોથલિયાની સૂચનાના પગલે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી દીધી હતી. દરમિયાન, અપહૃત યુવતીને અપહરણકારો ભુજમાં હિલગાર્ડન નજીક છોડી દેતાં પોલીસે તેનો કબ્જો મેળવી તેના વાલી-વારસોને સુપ્રત કરી દીધી છે. અપહરણકારો હજુ ઝડપાયાં નથી પરંતુ તેઓ બહુ ઝડપથી પકડાઈ જવાની પોલીસને આશા છે. અંજારમાં જૂની કૉર્ટ પાછળ વિજયનગરમાં રહેતા અને કસ્ટમ ચોક પાસે કટલેરી- સ્ટેશનરીની દુકાન ધરાવતા 47 વર્ષિય ઠક્કર વેપારીને સંતાનમાં બે દીકરી છે. 20 વર્ષિય મોટી દીકરી આદિપુર તોલાણી કોલેજમાં બીએસસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે અને કોમ્પ્યુટર ક્લાસીસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે. ગઈકાલે દીકરી નિત્યક્રમ મુજબ સાંજે છ વાગ્યે કોમ્પ્યુટર ક્લાસમાં ગયા બાદ સાડા સાત વાગ્યે ઘરે પરત ફરી નહોતી. દીકરી પરત ફરી ના હોઈ તેમણે તેને મોબાઈલ પર કૉલ કરતાં તેનો ફોન સ્વિચ્ડ ઑફ્ફ હતો. માતાએ આ અંગે પિતાનું ધ્યાન દોરતાં બેઉ જણ કોમ્પ્યુટર ક્લાસ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેમને જાણવા મળ્યું હતું કે આજે તો તેમની દીકરી નિત્યક્રમ કરતાં દસ મિનિટ વહેલી ઘરે જવા રવાના થઈ હતી.

અપહરણકારે ફોન પર 10 કરોડની ખંડણી માંગી

દીકરી ક્યાં ગઈ હશે તેની મુંઝવણમાં માવતર કોમ્પ્યુટર ક્લાસથી પરત ફરતાં હતા ત્યારે અચાનક પિતાના મોબાઈલ પર 8.38 કલાકે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને ગાળથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘તને ખબર છે તારી છોકરી ક્યાં છે?’ પિતાએ તે અંગે અજાણતા દર્શાવતાં અજાણ્યા ફોનકૉલરે ધમકી આપી હતી કે ‘તને જો તારી છોકરી ખપતી હોય તો દસ કરોડ તૈયાર રાખજે. સવાર સુધીમાં દસ કરોડ દઈ દેજે નહિતર તારી છોકરીને મારી નાખીશ’ યુવતીના પિતાએ આરોપીને ‘રૂપિયા ક્યાં અને કેવી રીતે પહોંચાડું?’ તેમ પૂછતાં જ તેણે ફોન કટ કરી દીધો હતો. દીકરીના અપહરણ અને ખંડણીની માંગણીના ફોનના પગલે પિતા ગભરાઈ ગયાં હતા. થોડીકવાર બાદ ફરી બીજી વખત ફોન આવ્યો હતો અને અપહરણકારે જણાવ્યું હતું કે ‘હું તને રાતના 11 વાગ્યે ફોન કરીશ’ અપહરણકાર સાથે ફોન પર ચાલતી વાતચીત સમયે યુવતીની માતાએ ફોન લઈ અપહરણકારને વિનવણી કરતાં તેણે ગાળાગાળી કરી હતી. જેથી પિતાએ ફોન લઈ અપહરણકાર જોડે પુનઃ વાતનો તંતુ સાધ્યો હતો. અપહરણકારે તેમને પૂછ્યું હતું કે ‘અત્યારે તુ કેટલાં આપીશ’ જેથી તેમણે હાલ તરત પચાસ હજારથી એકાદ લાખ સુધીની વ્યવસ્થા કરી શકીશ તેમ જણાવતાં આરોપીએ જણાવ્યું હતું કે ‘જો તારી છોકરીની લાખ રૂપિયાની કિંમત હોય તો હું તને લાખ રૂપિયા આપી દઉં, તારી છોકરી મને આપી દે અને પોલીસમાં ગયો તો તારી છોકરીને મારી નાખીશ.. હું પાછો 11 વાગ્યે તને ફોન કરું છું’ ત્યારબાદ તેણે ફોન કટ કરી દીધો હતો. બનાવ સંદર્ભે પિતાએ નિકટના સ્વજનો અને શુભેચ્છકોને જાણ કરતાં સહુએ તેમને પોલીસની મદદ લેવા જણાવતાં રાત્રે યુવતીના પિતા અંજાર પોલીસ મથકે દોડી ગયાં હતા.

આંખમા સુરમો આંજીને પોલીસ ખાતું આખી રાત દોડતું રહ્યું

ઘટનાની ગંભીરતાને પારખી પીઆઈ એમ.એમ.જાડેજાએ તુરંત વડા અધિકારીઓનું ધ્યાન દોરતાં પોલીસ ખાતું એલર્ટ થઈ ગયું હતું. પશ્ચિમ કચ્છ પોલીસને પણ આ અંગે એલર્ટ રહેવા મેસેજ પાઠવી દેવાયો હતો. રેન્જ આઈજી જે.આર. મોથલિયાની પણ રાતની ઊંઘ ઊડી ગઈ હતી. એલસીબી સહિતની વિવિધ બ્રાન્ચના અધિકારીઓએ આંખમાં સુરમો આંજીને ટેકનિકલ સર્વેલન્સ સાથે છોકરીની ભાળ મેળવવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન, યુવતીને અપહરણકારો ભુજમાં છોડી ગયાં હતા. સ્થાનિક પોલીસે યુવતીનો કબ્જો મેળવી તેના માવતરને સુપ્રત કરી દીધી હતી. આરોપી હજુ પકડાયાં નથી પરંતુ કોઈ પરિચિત કે જાણભેદુ હોય તેવી આશંકા છે. હાલતુરંત યુવતી હેમખેમ મળી આવતાં પોલીસ ખાતાને મોટી હાશ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *