240 ભારતીય શીખોનો સમૂહ જશે પાકિસ્તાન, સાકા પંજા સાહિબના શતાબ્દી સમારોહમાં આપશે હાજરી 

240 ભારતીય શીખોનું એક સમૂહ 28 ઓક્ટોબરે પાકિસ્તાન જશે.

ભારતીય શીખોનું આ સમૂહ રાવલપિંડીથી 45 કિમી દૂર પંજા સાહિબ ગુરુદ્વારામાં આયોજિત સાકા પંજા સાહિબની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેશે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC) ના પ્રમુખ સરદાર હરમીત સિંહ કાલકાએ જણાવ્યું હતું કે કુલ 240 ભારતીય શીખો 28 ઓક્ટોબરે અટારી/વાઘા સરહદ પાર કરીને પાકિસ્તાન જશે અને તમામ શ્રદ્ધાળુઓ 2 નવેમ્બરે અમૃતસર પરત ફરશે. 

આ ગ્રુપમાં દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદના 40 શ્રદ્ધાળુઓ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી જશે. જેમન દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. કાલકાના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓનું આ જૂથ પાકિસ્તાનના લાહૌરમાં નનકાના સાહિબ અને અન્ય ગુરુદ્વારા પણ જશે. 

પાકિસ્તાનના આ ગુરુદ્વારાની પણ મુલાકાત લેશે શ્રદ્ધાળુઓ 

સરદાર હરમીત સિંહ કાલકાએ માહિતી આપી હતી કે તમામ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં ગુરુદ્વારા પંજા સાહિબ અને નનકાના સાહિબ તેમજ લાહૌર સહિત અન્ય ઐતિહાસિક શીખ યાત્રાધામોની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન જનારા તમામ શ્રદ્ધાળુઓ માટે રસીના બંને ડોઝ ફરજિયાત છે. આ સિવાય તેમને પાકિસ્તાન જવાના 72 કલાક પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ સાથે, તેઓએ નેગેટિવ RT-PCR રિપોર્ટ પણ દર્શાવવો પડશે. આ દરમિયાન, અટારી-વાઘા બોર્ડર ચેકપોસ્ટ પર તેમના માટે અન્ય રેપિડ એન્ટિ ટેસ્ટ (RAT) કરવામાં આવશે.

શું છે સાકા પંજા સાહેબનો ઈતિહાસ

જણાવી દઈએ કે સાકા પંજા સાહિબ શીખ ઈતિહાસ સાથે સંબંધિત સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાનોમાંથી એક છે. સરદાર હરમીત સિંહ કાલકાએ સાકા પંજા સાહિબમાં 30 ઓક્ટોબર 1922ના રોજ બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અમૃતસરમાં તેમની માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા શીખ સમુદાયના લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે આ કેદીઓને ટ્રેન દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પંજા સાહિબના શીખ સમુદાયે ટ્રેનને રોકીને અને નિર્દોષ શીખોને લંગર આપવાનો નિર્ણય કર્યો.

નિર્દોષોને ટ્રેન નીચે કચડી નાખ્યા

જો કે, સ્થાનિક અધિકારીઓએ પંજા સાહિબ રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે શીખ સમુદાયના લોકો રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. ત્યારબાદ અધિકારીઓના આદેશ પર પ્રદર્શન પર બેઠેલા કેટલાક નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓને ટ્રેન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. આ શહીદોની યાદમાં આઝાદી પહેલા 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી પંજા સાહિબમાં મેળાનું આયોજન કરવામાં આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *